વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા પેટા ચૂંટણી ના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે અને ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો ના સમર્થકો માં ચૂંટણી અગાઉ ની તૈયારીઓ અને મતદારો ને આકર્ષવા માટે ગતિવિધિઓ શરૂ થઈ છે ત્યારે વલસાડ જિલ્લા કલેકટરે આ મુદ્દે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠક બોલાવી ચૂંટણી પંચના નિયમોના પાલન માટે તાકીદ કરી હતી.આ પેટા ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અર્પિત સાગરે તમામ રાજકીયપક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરી નિયમોનુસાર ચુંટણીઓ અંગે કામગીરી ઉપર ભાર મુક્યો હતો.
આ બેઠકમાં ચૂંટણી અધિકારી એ આચારસંહિતાના નિયમોનું પાલન ઉપર ભાર મૂકી નિષ્પક્ષ અને શાંતિના માહોલ નું વાતાવરણ જાળવવા તાકીદ કરી હતી. કપરાડાની પેટા ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું પાલન કરવા ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું.આ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 80 વર્ષથી ઉપરના, દિવ્યાંગ મતદારો અને કોવિડ-19ના શંકાસ્પદ દર્દીઓ માટે અલગ મતદાનની વ્યવસ્થા કરાશે.
આ તકે પક્ષ ના પ્રતિનિધિઓ એ પણ ચૂંટણી અંગે બેઠકમાં જાણકારી મેળવી હતી.
ઉપરાંત ચૂંટણીપ્રચારમાં ઉપયોગમાં લેવાનારા સાધનોના ભાવપત્રકો તેમજ વાહનની મંજૂરી અંગે પણ બેઠકમાં સઘન ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં એડિશનલ કલેક્ટર એન.એ.રાજપૂત, ડેપ્યુટી ડીડીઓ ડી.એન.ચૌધરી, કપરાડા મતવિસ્તારના ચૂંટણી અધિકારી વી.સી.બાગુલ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિવિધ સૂચનો અને જાણકારી મેળવી હતી. આમ વલસાડ માં હવે ચૂંટણી નો માહોલ જામ્યો છે અને રાજકારણ ગરમાયુ છે તેમજ વિધાનસભા ક્ષેત્ર માં આવતા વિસ્તારમાં આગેવાનો સાથે મિટિંગો નો દૌર શરૂ થઈ ગયો છે.
