વલસાડ શહેરના સ્ટેશન રોડ પર કલ્યાણબાગ સામેના પ્લોટ ઉપર 1982માં કાયમી વેચાણના આધારે કલેકટરે ફાળવેલી જગ્યામાંથી પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે 84 જેટલી મનાતી ખુબજ જૂની કેબિનોનું ડિમોલિશન કરવાની તજવીજ હાથ ધરાતાં વલસાડ ના કેબિનધારકો માં કચવાટ જોવા મળ્યો હતો અને પોલીસ તેમજ ફરજ પરના અધિકારીઓ ને ડીમોલેશન રોકવા વિનવણી કરતા નજરે પડ્યા હતા. જોકે તંત્ર દ્વારા જેસીબી મશીનો સાથે બાંધકામ તોડવાનું ચાલુ રહ્યું હતું પરિણામે અહીં વાતાવરણમાં તંગદીલી જોવા મળી હતી.
અત્રે નોંધનીય છે કે ગાંધીજયંતિ નિમિત્તે ધારાસભ્ય ભરતભાઇ પટેલ પાસે પહોંચી સ્થાનિક કેબિનધારક નિતીન સોની,પ્રશાંત ઘડિયાળવાળા,સીનિયર સિટિઝન ઠાકોરભાઇએ સામૂહિક રજૂઆતો કરી પાલિકાની ડિમોલિશનની તજવીજ રોકવા માગ કરી હતી.ધારાસભ્ય ભરતભાઇએ કહ્યું કે,મુદ્દો કલેકટર સમક્ષ છે તેમને રજૂઆત કરીશ અને હાલમાં તેઓ રજા પર હોય ઇન્ચાર્જ કલેકટર ડીડીઓને પણ વાત કરું છું તેવી ખાત્રી આપી હું સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યો છું,તમારી સાથે છું તેવી હૈયાધરપત આપી હતી. જોકે, સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક જામ અને રોડ પહોળા કરવા દબાણો હઠાવવા ની પાલિકા દ્વારા કામગીરી નો આરંભ થઈ ચૂક્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ નો કાફલો ખડકી દેવાયો છે.
