વલસાડ – વાપી RTO ની કામગીરી વિવાદ માં આવી છે અને વચેટિયા દ્વારા થઇ રહેલા ઉઘરાણાને લઇને વાહનચાલકોએ હોબાળો કર્યો હોવાની વિગતો પ્રકાશ માં આવી છે જોકે, આ બબાલ ને લઈ અહીં RTO કેમ્પસ માં ચાલતા ભ્રષ્ટાચાર અને વચેટીયાઓ ની મિલીભગત ની વાત નો ખુલાસો થયો છે.
વાપીમાં દર મંગળવારે અને બુધવારે RTOનો કેમ્પ હોય છે જેમાં પાસિંગ અને જરૂરી RTOની કામગીરી કરવાની હોય છે. જો કે RTO કેમ્પમાં અધિકારીઓને બદલે ફોલ્ડરિયાઓ કાર્યરત હોય ગેરકાયદે રીતે કરાતા ઉઘરાણાને લઇને વાહનચાલકોએ હોબાળો મચાવ્યો હતો,અહીં અધિકારીઓ ની છત્ર છાયા હેઠળ કામગીરી થઈ રહી છે અને આરટીઓ માં કટકીબાજો એ અડીંગો જમાવી દીધો હોવાની વાત સાથે વાહન ચાલકો એ વિરોધ કરી હોબાળો મચાવતા અધિકારીઓ ના માનીતા વચેટીયા દોડતા થઈ ગયા હતા ,નવાઈ ની વાત તો એ છે કે આ સમયે અહીં એકપણ RTOનો કર્મચારી કેમ્પમાં હાજર ન હતો. જે કામગીરી સત્તાવાર કર્મચારી કે અધિકારીઓએ કરવાની હોય તે વચેટિયાએ કરી રહ્યા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.
વલસાડ આરટીઓ કચેરીમાં ગેરકાયદેસર રીતે ફોલ્ડર લોકો અડીંગો જમાવી બેઠા છે આ મામલે અગાઉ અનેક વખત ફરિયાદો થઈ ચૂકી છે, ત્યારે વધુ એક વખત વલસાડ જિલ્લાના આરટીઓ વિભાગ દ્વારા વાપીમાં ચાલતા આરટીઓના કેમ્પમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ફોલ્ડર રાજ ચાલતું હોવાનું બહાર આવ્યું છે.
ત્યારે કેમ્પમાં શા માટે RTOઓ કર્મચારીઓ દ્વારા કામ કરાતું નથી અને કેમ્પમાં ઉઘરાવવામાં આવતા નાણાંના હિસાબની પહોંચ માત્ર સાદા કાગળ પર કેમ અપાઈ રહી છે તે અંગે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
