વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે મધુબન ડેમના ઉપરવાસમાં 14 કલાકમાં પડેલા 32 ઇંચ વરસાદને લઈને મધુબન ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળ્યો હતો. ડેમ લેવલ જાળવવા માટે ડેમના 10 દરવાજા 2.80 મીટર ખુલ્લા રાખીને દમણગંગા નદીમાં 1 લાખ ક્યુસેથી વધુ પાણી સાંજે 7 વાગ્યા પહેલાથી છોડવામાં આવ્યું હતું.
જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા દાદરા નગર હવેલીના ગામો, વાપી તાલુકાના ગામો અને દમણના ગામો મળી કુલ 37 ગામોને એલર્ટ કર્યા હતા.
દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં વિલ તલાવલી ખાતે નદીની ખાડીના તટ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું.
સેલવાસ ફાયર વિભાગ અને ડિઝાસ્ટરની ટીમેવડોદરા NDRFની 6G ટીમની મદદ લઈને ખાડીના તટ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મધ્ય રાત્રીએ NDRFની ટીમે 6 પુરુષ, 12 મહિલાઓ અને 3 બાળકોનું NDRFની બોટ વડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
NDRFની ટીમે 2.30 કલાકના દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કુલ 21 લોકોનું રેસ્ક્યુ કરીને નજીકના સેલટર હોમ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.
દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા દાદરા નગર હવેલી વિસ્તાર, વાપી તાલુકા અને દમણના હદ વિસ્તારમાં આવેલા કુલ 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.