વાપીના રાતા ગામે ભાજપના ઉપપ્રમુખની ગોળી મારી હત્યાનો બનાવ બન્યો છે અને હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિજનોએ ઇન્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી હત્યા કરી ફરાર થઈ ગયા હતા,જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ દર સોમવારે પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવામાં આવતા હતા જે મુજબ આજે સવારે 7.15ની આસપાસ પત્ની સાથે મંદિરે પહોંચ્યા હતા અને પત્ની મંદિરની અંદર ગયાં જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં જ બેસીને પત્નીની રાહ જોઈ રહ્યા હતા તે સમયે અચાનક બાઈક પર આવેલા 4 ઈસમોએ શૈલેષ પટેલ પર ફાયરિંગ શરૂ કરી દીધું. 4 રાઉન્ડ ફાયરિંગમાં શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હતી.
દરમિયાન જ્યારે પત્ની મંદિરેથી દર્શન કરી ગાડી તરફ ગયાં તો પોતાના પતિને લોહીલુહાણ હાલમાં જોતા જ પત્નીએ બૂમાબૂમ કરી મૂકતા લોકો દોડી આવ્યા હતા.
ત્યારબાદ શૈલેષ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઘટના સ્થળનું નિરીક્ષણ અને આજુબાજુના વિસ્તારમાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. LCB, SOG સહિતની ટીમોએ હાલ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ પણ મેળવી તપાસ શરૂ કરી છે આ ઘટના ને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.