સુરત ના ચકચારી એમડી ડ્રગ્સ ના સૂત્રધાર આદિલને પોલીસે કોર્ટમાં રજૂ કરી વધુ ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે, આ કાંડ માં દક્ષિણ ગુજરાત માં વલસાડ જિલ્લા સહિત દમણ અને મુંબઇ સુધી ના સંપર્ક બહાર આવી રહ્યા છે.
આ કેસમાં સુરત પોલીસે 40 એવા નબીરાઓ તરફ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે કે જેઓ સીધી રીતે જોડાયેલા હોવાનું મનાય છે આ પૈકી અત્યાર સુધીમાં 20 ની પુછપરછ હાથ ધરાઈ છે. આદિલના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થઇ ગયા હોઇ ક્રાઇમ બ્રાન્ચે આદિલને આજે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માગણી કરતાં કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વિગતો જાણવા મળી છે.
સુરત ના સલમાન ઝવેરી સરથાણામાં કાપડની દુકાન ધરાવતા અને એરોનોટિકલનું ભણેલા સંકેત અસલાલીયા પાસેથી અને વલસાડ જિલ્લા ના વાપીના મનોજપ્રસાદ શીતલાપ્રસાદ ભગત પાસેથી પણ ડ્રગ્સ ખરીદતો હોવાનું બહાર આવ્યુ છે,પરિણામે વલસાડ જિલ્લા માં પણ આ નેટવર્ક હોવાની વાત સામે આવી છે. સંકેત અસલાલીયા તો પોતે જ કડોદરામાં લેબ ઊભી કરી તેના મિત્ર પ્રજ્ઞોશ ઠુમ્મર સાથે મળી એમ.ડી. ડ્રગ્સ બનાવતો હોવાની હકીકત બહાર આવી ચુકી છે, સલમાન પાસેથી એક કરોડની કિંમતનું એક કિલોની ઉપરનું જે એમ.ડી. મળ્યું હતું તેમાં 400 ગ્રામ ડ્રગ્સ તો વાપી ના મનોજ શીતલાપ્રસાદ પાસેથી મગાવવામાં આવ્યું હતું. જેમાંથી 300 ગ્રામ ડ્રગ્સમાં આદિલ ભાગીદાર હોવાની વાત સામે આવી છે. મનોજપ્રસાદની ધરપકડ બાદ તેની પૂછપરછમાં મુંબઇનું કનેક્શન બહાર આવ્યું છે જેમાં મુંબઇનો અન્ના નામના મોટા ડ્રગ ડિલરનું નામ બહાર આવ્યું હતું. અન્ના પાસેથી 10 ટકા કમિશન લઇ 400 ગ્રામ ડ્રગ્સ સુરતના સલમાનને મનોજે આપ્યું હોવાનું તપાસ માં બહાર આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે મુંબઇ માં રેડ કરી ડ્રગ ડીલર અન્નાને પણ ઝડપી લેતા હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોણ કોણ ગ્રાહકો હતા તે વાત બહાર આવશે.
