વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ગોળી મારી થયેલી હત્યામાં આખરે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે અને તેમના ગામના જ અગાઉના મનદુઃખમાં ચાલ્યા આવતા ઝગડાની અદાવતમાં શરદ પટેલ ઉર્ફે સદીયા સહિતના આરોપીઓએ શાર્પ શૂટરોને
રૂ.19 લાખમાં સોપારી આપી આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ખુલ્યુ છે.
શૈલેષ પટેલની હત્યા મામલે વર્ષ 2013માં વિપુલ અને મિતેષ પટેલના પરિવાર વચ્ચે થયેલો ઝઘડો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, વર્ષ 2013માં વિપુલ અને મિતેષના પિતા ઈશ્વરભાઈને શૈલેષ પટેલ સાથે ઝઘડો થયો હતો. જેમાં ઈશ્વરભાઈને હેડ ઈન્જરી થતા પેરેલાઈઝ્ડ થયા હતા અને શરદ અને વિપુલને પણ જે તે સમયે ઈજા પહોંચી હતી. આ જૂની અદાવતનો ખાર રાખીને 10 વર્ષ બાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
શૈલેષ પટેલની હત્યા માટે વિપુલ પટેલ, મિતેષ પટેલ અને શરદ પટેલે મળી દમણના અજય ઉર્ફે સ્પાઈડરને સોપારી આપી હતી.ત્યારબાદ અજય ઉર્ફે સ્પાઈડરે હત્યા માટેનું કામ આજમગઢના ટ્રાન્સપોર્ટર સોનુસિંગ ઉર્ફે સત્યેન્દ્રસિંગને સોંપ્યું હતું.
વિગતો મુજબ કોચરવા ગામના વતની અને વાપી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ ગત તા.8 મેના રોજ વાપીના રાતા ખાડી ગામમાં આવેલા શિવ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા તે વખતે તેઓના પત્ની મંદિરમાં ગયા અને પોતે તેઓના પત્ની પરત આવે તેની રાહ જોઈ ગાડીમાં બેઠા હતા તે દરમિયાન બાઇક ઉપર આવેલા ઇસમોએ ફાયરિંગ કરી હત્યાને અંજામ આપ્યો હતો.
પોલીસે આ મર્ડર કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને કોન્ટ્રાકટ કિલરને શોધવા તપાસ ચાલુ છે.
પોલીસે ઝડપી લીધેલા પાંચ ઈસમોમાં શરદ ઉર્ફે સદીઓ દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, અજય સુમન ગામીત અને સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુ નો સમાવેશ થાય છે.
આ પાંચ આરોપીઓમાં સોપારી આપનાર કોચરવા ગામના ત્રણ આરોપી અને બે કિલર ને રૂપિયા પહોંચાડનાર ઇસમોનો સમાવેશ થાય છે.
પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે વાત સામે આવી તેમાં આરોપીઓ હત્યાને અંજામ આપવા ડિસેમ્બર 2022 થી 10 મી જાન્યુઆરી 2023 સુધી દમણમાં જ રોકાયા હતા અને શૈલેષ પટેલની હત્યા કરવા માટે આરોપીઓએ રેકી પણ કરી હતી. બીજું જે આરોપીઓએ સોપારી આપી હતી તેમના પર કોઈ શક ન જાય તે માટે આરોપીઓએ એકબીજાના સંપર્ક પણ ટાળ્યો હતો.
આ દરમિયાન સફળતા ન મળતા શાર્પ શૂટરો પોતાના વતન પરત જતા રહ્યા હતા અને ફરી તા.ત્રીજીએ આરોપીઓ વાપી પરત ફર્યા હતા ત્યારબાદ મોકો મળતા જ તા. 8મીએ હત્યાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મૃતક શૈલેષ પટેલ ના પરિવારને તેમના જ ગામ કોચરવામાં અન્ય પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી ઝઘડાની અદાવત હતી. આથી આરોપીઓ છેલ્લા દસ વર્ષથી બદલો લેવાની રાહ જોઈ રહ્યા હતા અને એક વર્ષ અગાઉ આરોપી સરદ ઉર્ફે સદીયો પટેલ અને તેના પારિવારિક ભાઈઓએ દમણ માં યુપી ની એક કોન્ટ્રાક્ટ કિલર ગેંગ ને ત્રણ લેયરમાં શૈલેષ પટેલની હત્યા માટે રૂપિયા રૂ. 19 લાખ ની સોપારી આપી હતી.
હત્યાને અંજામ આપ્યા બાદ એકજ બાઈક પર ત્રણ આરોપીઓ વાપીથી નાસિક સુધી પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં એક આરોપી બાઇક પરથી ઉતરી ગયો હતો અને ત્યારબાદ બાકીના બે આરોપીઓ બાઈક ઉપરજ મધ્યપ્રદેશમાં પોતાના વતન સુધી પહોંચ્યા હતા.
આરોપીઓનું પગેરૂ મેળવવા વલસાડ જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ આશરે 1600 કિલોમીટરની રેન્જમાં આવતા અનેક સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે.
ભાજપ અગ્રણી શૈલેષ પટેલની હત્યા કેસ નો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમે ગુજરાત મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સુધી તપાસનો દૌર લંબાવ્યો હતો અને સોપારી આપનાર કોચરવા ગામના ત્રણ આરોપી અને બે કિલર ને રૂપિયા પહોંચાડનાર મળી કુલ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.
જ્યારે હજુ કોન્ટ્રાક્ટ ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા તપાસ ચાલુ છે.