વાપીના બલીઠા વિસ્તારમાં હરિયાણા રાજસ્થાન કેરીયર્સના નામે ટ્રાંસપોર્ટ નો ધંધો કરતા અને નુતનનગર સ્થિત મુરલીધર સોસાયટીના ફ્લેટ નં.એ-105માં રહેતા પંકજ દયાનંદ વર્મા ના ઘર માં ઘુસેલા અજાણ્યા ઈસમો ચાર લાખ ના મત્તા ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. શનિવારે મળસ્કે તેમની પત્ની રિના વોશરૂમ જવા માટે ઉઠ્યા ત્યારે બેડરૂમનો દરવાજો ખોલવા જતા તે બહારથી બંધ હોવાનું જણાતાં તેઓ ગભરાઈ ગયા હતા અને તે અંગેની જાણ પતિને કરતા તેમણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતા મોટા ભાઇ દિપકને વાત કરતા તેઓ એ બાલ્કની માં આવી દરવાજો ખોલ્યો હતો જોકે તસ્કરો પણ ગેસ લાઇન ના સહારે આ જ રીતે ફ્લેટમાં પ્રવેશ્યા હોવાનું બહાર આવ્યું હતું. તસ્કરો ડ્રેસીંગ રૂમમાં પ્રવેશી રોકડા રૂ. 1.50 લાખ, 13 તોલા 4 ગ્રામ સોના તથા 450 ગ્રામ ચાંદી કિં.રૂ.12000 મળી કુલ રૂ.4 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે અંગે શનિવારે ટ્રાંસપોર્ટરે વાપી ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
