વાપી માંએક ઓટોમોબાઇલ કંપનીના શોરૂમમાં પ્રવેશી તસ્કરો 145 કિલોની ભારેખમ ગોદરેજ ની તિજોરી ની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.તિજોરી માં રોકડા રૂ.3.67 લાખ અને કેટલાક અગત્ય ના દસ્તાવેજો હતા.
વિગતો મુજબ વાપી ચલા ખાતે શાલીગ્રામ બંગલોમાં રહેતા અને સલવાવ બીલખાડી પાસે દેસાઇ ઓટો મોબાઇલ્સ પ્રા.લી. ના નામે શો રૂમમાં શેવરોલેટ કંપનીની ગાડીનું સર્વિસ સેન્ટર તથા જૂની ગાડીઓની લે-વેચ કરતા પિયુશકુમાર દોલતભાઇ દેસાઇએ ડુંગરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું છે કે, 20 તારીખે તેઓ કામ અર્થે નવસારી ગયા હતા એ દરમિયાન પોતાના શો રૂમ ઉપર હાજર મેનેજર પ્રજ્ઞેશ દેસાઇ નો ફોન હતો કે ઉદવાડાના હાર્દીકભાઇ નામના ગ્રાહક ને જુની સેન્ટાફી કાર કિં.રૂ.8.60 લાખ ખરીદવી છે અને ડાઉન પેમેન્ટ 3.60 લાખ આપી ગયા છે તો બેંક બંધ હોવાથી આ રૂપિયા તિજોરીમાં મૂકવા જણાવી તેઓ ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે રવિવાર હોવાથી શોરૂમ બંધ રખાયો હતો. સોમવારે સવારે શોરૂમમાં પેન્ટ્રીની બારીના ગ્લાસ બહારની સાઇડે કાઢી અજાણ્યા ઇસમો અંદર પ્રવેશી મેનેજર રૂમમાં મુકેલ વજનદાર લોખંડની તિજોરી લઇ ભાગી છૂટ્યા હોવાનું જણાયું હતું. મોડી રાત્રે પ્રવેશેલા ઇસમો તિજોરીમાં મૂકેલ રોકડા રૂ.3,67,066ની સાથે અલગ અલગ દસ્તાવેજો પણ ચોરી જતા પોલીસે તેઓ સામે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
