વલસાડ તા. ૩ જુલાઈ
પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી ગુરુદેવ ધર્માંચાર્ય પૂ.પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવી હતી.
ગુરુપૂર્ણિમાના શુભ અવસરે વહેલી સવારે એક કુંડી દત્તયજ્ઞનું આયોજન કરાયું હતું. પ્રગટેશ્વર ધામના ગોર મહારાજ કશ્યપભાઈ જોષી, અનિલભાઈ જાની સહિત હર્ષ અને ચિંતને વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની વિધિ સંપન્ન કરાવી હતી.
આ અવસરે સંસ્કાર વિદ્યામંદિર પાણીખડકના વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી નોટબુકનું વિતરણ કરાયું હતું.પ્રગટેશ્વર ધામ આછવણીની ત્રિમાસિક પ્રગતિની રૂપરેખા દર્શાવતી પુસ્તિકા પ્રગટ પ્રકાશ તેમજ ‘ધર્માંચાર્ય પરભુદાદા જીવન દર્શન’ ગુજરાતી પુસ્તકનું મરાઠી વર્ઝન ‘સ્વામી યજ્ઞાનંદજી મહારાજ જીવન દર્શન’નું વિમોચન કરાયું હતું. ગુરુપૂર્ણિમાના આગલા દિવસે કથાકાર પૂ. છોટે મોરારીબાપુ, ડો.છીતુભાઈ પટેલ અને પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ધર્મધજારોહણ કરાયું હતું.
આ અવસરે ધર્માંચાર્ય સ્વામી પૂ. પરભુદાદાએ સૌનું કલ્યાણ થાય, સુખી અને નિરોગી રહે તેમજ ભગવાનની કૃપા સૌની ઉપર બની રહે તેવા આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, કોઈક જગ્યાએ જ્ઞાનરૂપી ઝરણું વહેતુ હોય તો તે બંધ થાય તે પહેલાં આપણી તરસ છીપાવી લેવી જોઈએ, આપણને જ્ઞાનની ભૂખ હોય ત્યારે આવા ઝરણાંઓમાં નાહીને તેનો લાભ લેવો જોઈએ. કોઈ આપણાં વિશે ખરાબ બોલે તેના પ્રત્યે ધ્યાન ન આપતાં આપણામાં જે સારું હોય તેનો સ્વીકાર કરી આગળ વધવા અનુરોધ કર્યો હતો. ખોટા વિચારો દબાવી સારા વિચારોને લાવવા માટે સત્સંગ જરૂરી છે, જેથી જ્યાં સત્સંગ થતો હોય ત્યાં હાજરી આપવી જોઈએ. ગુરુપૂર્ણિમા મહોત્સવ અષાઢ માસમાં આવે છે, તે માસમાં ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ગુરુ જ્ઞાન આપે છે, સાચો રસ્તો બતાવે છે અને ખોટા કાર્યો કરતાં રોકે છે. આજનો મહિમા અત્યંત દુર્લભ છે. ગુરુપૂર્ણિમાના દિવસે સાચા ગુરુના દર્શન કરે તેમની મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે.
ભગવાન માટે અન્નદાન એટલે યજ્ઞ છે, જેથી આપણે આજે દત્તયજ્ઞ કરી ભગવાને અન્નદાન કર્યું છે. દેવલોકમાં બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ છે, જેથી અહીં યજ્ઞની શરૂઆત બ્રહ્મમુહૂર્તમાં કરીએ છીએ. લોકોનું કલ્યાણ થાય તેવી ભાવના રાખી જીવન જીવવાથી જ પોતાનું કલ્યાણ થાય છે. દાન આપવામાં આવે તે પછી અપેક્ષા રાખવામાં આવે તો તે દાનનું કોઈ મહત્ત્વ નથી. ગુરુ પ્રત્યેના ભાવથી તમે અહીં આવ્યા છે, પણ આ સ્થાન એવું છે જ્યાં આવવાથી તમારું કલ્યાણ થાય , તમારી પ્રગતિ થાય તે નિશ્ચિત છે.
આ અવસરે સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુકલએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, શિષ્ય માટે ગુરુપૂર્ણિમા એ દિવાળીનું પર્વ છે. પરભુદાદાએ ગુજરાત મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશ અને વિદેશમાં સનાતન ધર્મની ધજા લહેરાવી છે. અહીં જે રડતો આવે અને હસતો જાય છે, પરભુદાદા સામાન્ય માનવી જ નથી પણ પ્રેમનો અવતાર છે, જેની પાસે જવાથી માત્ર પ્રેમ જ જાગે છે. તેઓ હજાર હાથોથી આશીર્વાદ આપે છે તેમાંથી કેટલું લેવું તે આપણી ક્ષમતા ઉપર નિર્ભર છે. રમા બા અન્નપૂર્ણાનો અવતાર છે, જેથી અહીં આવેલો કોઈ ભૂખ્યો જતો નથી.
આ અવસરે છોટે મોરારીબાપુએ જણાવ્યું હતું કે, પરભુદાદા ધર્મ માટે કર્મ કરે છે, તેઓ ધર્મની મૂર્તિ છે. ગુરુપૂર્ણિમા એટલે શુદ્ધ થવાનો દિવસ, આ દિવસે ગુરુ ચરણના દર્શન કરી તેમના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. જેમની પાસેથી સારા વિચારો મળે, સમાજ અને દેશને સ્તકર્મ સાથે જોડે તે સાચા ગુરુ કહેવાય છે, જે અહીં તમને પરભુદાદાના સ્વરૂપે મળ્યા છે. ડો.છીતુભાઈ પટેલ અને પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલે પણ ગુરુપૂર્ણિમા વિશે તેમના વિચારો વ્યક્ત કરી ગુરુના સાનિધ્યમાં આવનારા સૌનું કલ્યાણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
પાણીખડક શાળાના આચાર્યે જણાવ્યું હતું કે, શિક્ષણ સાથે સંસ્કાર મળે તેવો અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે. પરભુદાદાના સાનિધ્યમાં અમારી શાળાની પ્રગતિમાં વેગ આવ્યો છે. તેઓ શાળામાં જે કંઈ આપે તે નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ શુદ્ધ અને પ્રેમ ભાવનાથી આપે છે. શિવ પરિવાર મહિલા મંડળના સીતાબેન પટેલ, પ્રકૃતિબેન પટેલ અને ઇલાબેન પરમારે ગુરુનો મહિમા દર્શાવતા વક્તવ્યોમાં પરભુદાદાને ગુરુ બનાવ્યા પછી તેમના આશીર્વાદથી જીવનમાં આવેલા પરિવર્તનની ઝાંખી રજૂ કરી હતી.
આ અવસરે સંસ્કાર વિદ્યામંદિર પાણીખડકની વિદ્યાર્થીનીઓએ સ્વાગત તેમજ પ્રાર્થનાગીત જ્યારે પ્રગટેશ્વર ધામ મહિલા મંડળે ગુરુપૂજનને લગતો મનમોહક ગરબો રજૂ કર્યો હતો. આ અવસરે સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લ સહિત ભૂદેવો ભાસ્કરભાઈ દવે, મનુભાઈ દવે, હર્ષદભાઈ દવે પણ ઉપસ્થિત રહી મહોત્સવની શોભા વધારી હતી.
ભજનિક પરભુભાઈ વાડા, ગોપાલભાઈ ટંડેલે ભજનોની રમઝટ જમાવી હતી. પ્રગટેશ્વર સેવા સમિતિ ગુજરાત પ્રમુખ બીપીનભાઈ પરમાર અને મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવેએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં થનારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. આ મહોત્સવમાં ગુજરાત-મહારાષ્ટ્ર શિવ પરિવારના શિવભક્તો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦૦-