નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં થયેલા એનકાઉન્ટર અંગે જસ્ટીસ બેદીના અધ્યક્ષપદ હેઠળ તપાસ પંચની રચના કરવામાં આવી હતી. જસ્ટીસ બેદી તપાસ પંચે રિપોર્ટમાં જણાવ્યું કે 18 પૈકી 15 એનકાઉન્ટર સાચા હતા જ્યારે ત્રણ એનકાઉન્ટર બોગસ હતા, બનાવટી હતા. 2002થી 2007 દરમિયાન થયેલા એનકાઉન્ટરના કેસોની તપાસનો 221 પાનાનો રિપોર્ટ જસ્ટીસ એચએસ બેદીએ તૈયાર કર્યો છે. ખાસ કરીને વલસાડ ખાતે થયેલા હાજી ઈસ્માઈલના એનકાઉન્ટરને પણ જસ્ટીસ બેદીએ બનાવટી ગણાવ્યું છે.
હાજી ઈસ્માઈલના એનકાઉન્ટરની ઘટનાને રિ-રન કરીએ તો 2005ની 9મી ઑક્ટોબરે હાજી ઈસ્માઈલ વલસાડના ઉંમરગામથી કારમાં પસાર થઈ રહ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી. પીએસઆઈ પરાગ વ્યાસ અને અન્ય પોલીસે વોચ ગોઠવી. પીએસઆઈ વ્યાસ અને પીઆઈ કે.જી.એરડાએ ઉંમરગામ નજીક હાજી ઈસ્માઈલને આંતર્યો હતો. પોલીસ મારુતિ ઝેનમાં હતી. હાજી ઈસ્માઈલ દાણચોર હતો.
બપોરના સમયે ઈસ્માઈલને પકડી પાડી કારમાં બળજબરીપૂર્ક બેસાડી દેવામાં આવ્યો અને 3.05ના સમયગાળા દરમિયાન કારને અટકાવી દેવામાં આવી. પોલીસે કહ્યું હતું કે કારના ડ્રાઈવરે પોલીસ પર ગોળીઓ ચલાવી હતી અને ત્યાર બાદ પીઆઈ એરડાએ ફાયરીંગ કર્યું. સામ-સામે ગોળીબાર થયો અને ઈસ્માઈલ પર વીસ ગોળીઓ છોડી દેવામાં આવી.
હાજી ઇસ્માઇલને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન રાત્રે 7: 30થી 9: 30 વાગ્યાની વચ્ચે તે મૃત્યુ પામ્યો હતો. તે વખતના વલસાડના ડીએસપીએ કહ્યું હતું કે પોલીસ ટીમે સ્વબચાવમાં ફાયરીંગ કર્યું હતું અને એનકાઉન્ટરને યોગ્ય અને ન્યાયિક ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જસ્ટીસ બેદીની નિગરાનીમાં 2013થી ગુજરાતના એનકાઉન્ટરની તપાસ શરૂ કરવામાં આવી. તમામ સાક્ષીઓની ઉલટતપાસ કરાઈ. આ ઉપરાંત ફોરેન્સિક અને મેડીકલ રિપોર્ટને પણ ધ્યાને લેવામાં આવ્યા.
પોલીસના વર્ઝન મુજબ ઇસ્માઇલને 6 ગોળી મારવામાં આવી હતી, જેમાંથી એક તેના શરીરમાં ખૂંપી ગઈ હતી અને અન્ય ગોળીઓ આરપાર નીકળી ગઈ હતી. ઈસ્માઈલના પીએમમાં પણ 6 ગોળી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે એક બુલેટ તેના શરીરમાં રહી જવા પામી હતી.
ઈસ્માઈલના શરીર પર ગોળીના 6 નિશાન મળી આવ્યા હતા. પાંચ ગોળી એકદમ નજીકથી મારવામાં આવી હતી. માત્ર બે ફૂટ કરતાં પણ ઓછા અંતરેથી ગોળી મારવામાં આવી હતી. રિપોર્ટમાં આ વસ્તુને વિશેષ ધ્યાને લેવામાં આવી છે. પોલીસના વર્ઝન પ્રમાણે ફાયરીંગ 17 ફૂટના અંતરેથી કરવામાં આવ્યું હતું. આ હકીકત ઘટનાને બોગસ એનકાઉન્ટર પુરવાર કરવામાં મદદરૂપ બની અને પોલીસ જ ખુદ પોલીસને જાળમાં ભેરવાઈ ગઈ છે. ઈસ્માઈલના શરીર પરથી નાઈટ્રેટના કોઈ નમૂના મળી આવ્યા ન હતા. જે સૂચવે છે કે ઈસ્માઈલે કોઈ ગોળી ચલાવી ન હતી અને તેની પાસે કોઈ પણ પ્રકારની બંદુક હતી નહીં.
તપાસ પંચે નોંધ્યું છે કે હાજી ઈસ્માઈલ કોઈ નોટેરિયસ દાણચોર ન હતો કે સમાજને તેનાથી કોઈ ખતરો પણ ન હતો. જસ્ટીસ બેદી સમક્ષ પોલીસ ઈસ્માઈલના અસામાજિક કાર્યો વિશેની જાણકારી આપવામાં નિષ્ફળ ગઈ હતી.
જસ્ટીસ બેદીએ હાજી ઈસ્માઈલના બનાવટી એનકાઉન્ટરના કેસમાં પીઆઈ કે.જી.એરડા, પીએસઆઈ એલ.બી.મોનાપરા, પીએસઆઈ જે.એમ.યાદવ, પીએસઆઈ એસ.કે.શાહ અને પીએસઆઈ પરાગ વ્યાસ સામે હત્યાનો કેસ દાખલ કરી કેસ ચલાવવાની ભલામણ કરી છે.
ગુજરાત સરકારના વકીલ રજત નાયર અને વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ જસ્ટીસ બેદીની પેનલના રિપોર્ટનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત પ્રશાંત ભૂષણને રિપોર્ટ આપવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. ગુજરાતના એનકાઉન્ટર અંગે ફિલ્મ ગીતકાર જાવેદ અખ્તર અને બી.જી.વર્ગીસની પીટીશનના આધારે સુપ્રીમ કોર્ટ તપાસ પંચ નિમવાની જાહેરાત કરી હતી. પ્રશાંત ભૂષણને રિપોર્ટની કોપી આપવાના વાંધાને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો.