રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. નિચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં વાપીમાં 4.26 ઇંચ, ઉમરગામ અને વલસાડમાં 2 ઈંચ, ધરમપુરમાં 1.6 ઇંચ, કપરાડામાં 1.28 ઇંચ વરસાદ વરસ્યો છે.
આજે વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સિસ્ટમ સક્રિય છે, તેની સાથે રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી મોન્સુન ટ્રફનો છેડો ગુજરાત સુધી લંબાશે, તેની સાથે દક્ષિણ ગુજરાતમાં શૅર ઝોન પણ સક્રિય થશે. બંગાળની ખાડીમાં આગામી ચાર દિવસો દરમિયાન એક પછી એક બીજા બે લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. જેની અસરોથી બુધવારથી આગામી અઠવાડિયા દરમિયાન વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.
આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલીમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
આમ,આગામી અઠવાડિયું ભારે રહશે.