દમણ અને સેલવાસ સહિતના શહેરોમાં દારૂ પીવા જનારા સુરતીઓને 2019ની શરૂઆત પોલીસ લોકઅપથી કરવાનો વારો આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 દારુડીયાઓને ઝડપી પાડ્યા હોવાની માહિતી મળી રહી છે. થર્ટી ફર્સ્ટ નાઈટનાં સેલિબ્રેશન માટે દમણ કે અન્ય વિસ્તારોમાં ગયેલા સુરતીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે અને હાલ લોકઅપની હવા ખાતા થઈ ગયા છે.
જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ વલસાડના વિવિધ પોઇન્ટ પર ગોઠવેલા પોલીસ બંદોબસ્ત હેઠળ પોલીસે 31નાઈટ દરમિયાન દારુડીયાઓને ઝડપી પાડયા છે. મોટાભાગના સુરત અને આજુબાજુના વિસ્તારોના હોવાની જાણકારી મળી રહી છે. વલસાડ પોલીસે અલગ-અલગ વિસ્તારમાં જઈ રેડ કરી-ચેકીંગ કરી લગભગ કુલ 300 જેટલા પીઘ્ધડોનો નશો ઉડાવી દીધો હતો. જે ગાડીઓ પકડાઈ છે તેમાં GJ-5 અને GJ-26 નંબરની ગાડીઓ વધુ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
વલસાડ પોલીસે માત્ર પારડીમાં થી જ 80 બેવડા પકડી પાડયા છે જ્યારે રસ્તામાં કાર અને અન્ય વાહનોને આંતરીને ચેકીંગ કરતા ઓછામાં ઓછાં 300 બેવડાનેં પકડ્યા છે. આમાં સૌથી વધુ વાહનો સુરતનાં હોવાનું બહાર આવ્યું છે. હજુ પણ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે.
જાણકારી પ્રમાણે વલસાડના કેટલાક પોલીસ સ્ટેશન દારુડીયાઓથી ઉભરાઈ ગયા હતા અને લોકઅપમાં જગ્યા ન હોવાથી તેમને અન્ય પોલીસ સ્ટેશનમાં ખસેડવા પડ્યા હતા. વલસાડ પોલીસે દારુબંધી અંગે અપનાવેલા કડક અભિગમથી દારુ પીને કાર ચલાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમણે નશા કરેલી હાલતમાં વલસાડ તરફ જવાનું પણ માંડી વાળ્યું હતું.