વલસાડ જિલ્લાના પારડીમાં એસીબીની ટ્રેપમાં પારડી વન રક્ષક 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. પારડી આરએફઓના ફોરેસ્ટર ધર્મેન્દ્રસિંહ ચાવડા અને વન રક્ષક જીગર રાજપુતે 10 લાખની માંગણી કરી હતી. જેમાં લાંચ લેવા આવેલા પૈકી વન રક્ષક પકડાઈ ગયો હતો. જ્યારે ફારેસ્ટર ભાગી જવામાં સફળ થયો હતો.
ફોરેસ્ટર અને વન રક્ષકે લાંચ માંગી
મળતી માહિતી પ્રમાણે, ફરિયાદ કરનારે સરકાર તરફથી ઓપ્ટીકલ ફાયબર કેબલ નાખવાની મંજુરી મેળવી હતી. જેમાં ફોરેસ્ટ ખાતામાંથી પ્રોટેકટેડ / નોન પ્રોટેકટેડ ફોરેસ્ટની મંજુરી મેળવવા માટે ફરિયાદીની કંપનીએ ડી.સી.એફ. વલસાડ ખાતે અરજી કરી હતી. જેમાં નોન પ્રોટેકટેડ ફોરેસ્ટની પરમિશન ડી.સી.એફ. વલસાડથી મેળવી હતી. જ્યારે પ્રોટેકટેડ ફોરેસ્ટ માટેની પરમિશન મેળવવા ડી.સી.એફ. વલસાડ ખાતે અરજી કરી હતી. જ્યાં ફોરેસ્ટ વિભાગની જમીનમાંથી ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવાની મંજુરી અને સર્વે કરવાના કામ માટે ફોરેસ્ટર ધર્મેન્દ્રસિંહ ચાવડા ( વર્ગ – 3, આર.એફ.ઓ, પારડી) અને જીગરકુમાર રમેશભાઈ રાજપુતે (વનરક્ષક, વર્ગ -3, આર.એફ.ઓ.) 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
એસીબીએ લાંચની ટ્રેપ ગોઠવી હતી
ફરીયાદી લાંચના રૂપિયા આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ લાંચની ટ્રેપ ગોઠવી હતી. જેમાં આરોપી જીગરકુમાર રાજપુત લાંચના નાણા સ્વીકારતા પકડાઈ ગયો હતો. જ્યારે આરોપી ધર્મેન્દ્રસિંહ ચાવડા શંકાનો લાભ લઇ નાસી ગયો હતો. આ કાર્યવાહી વડોદરા એસીબીની ટીમે કરી હતી.