“બેટા વો બાપ હૈ, બાપ વો બેટા હૈ, બેટા કોઈ હૈ હી નહી”
વલસાડમાં ખૂબ ઝડપથી વિકસી રહેલા પાથરીની સોનાની લગડી જેવી જમીનને હાંસલ કરવા માટે કેવા કેવા પ્રકારના કાવતરા અને કાવાદાવા કરવામાં આવ્યા છે તેનો પર્દાફાશ “સત્ય ડે” દ્વારા કરવામાં આવતા વલસાડ કલેક્ટર કચેરી, બિલ્ડર લોબી અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
“સત્ય ડે” દ્વારા પાથરી ગામની જમીનના વિવાદ મેરેથોન અહેવાલો પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે બોગસ પેઢીનામું તૈયાર કરીને કરોડો રુપિ.યાની જમીનને ઓહિયા કરી જવાની બૂરી દાનત રાખી રહેલા રાજુ શેરા આણિ મંડળી માટે હવે પછી મોટી મુશ્કેલીઓ શરુ થઈ જવાની ઘડીઓ ગણાઈ રહી છે. 11/7/2022 રોજ પ્રાંત અધિકારીની કચેરી ખાતે સુનાવણી રાખવામાં આવી હતી. આ વાંધા અરજીમાં સમગ્ર પેઢીનામાની હકીકતોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
પાથરીમાં પારસી પરિવારની જમીનમાં જે પ્રકાર ગોરખધંધાઓ કરવામાં આવ્યા છે તેનાથી ખ્યાલ આવે છે કે કાવતરાખોરોએ મોટી માયાજાળ રચી છે. કાવતરાબાજોએ બોગસ પેઢીનામું તૈયાર કરવામાં તમામ હદો પાર કરી દીધી છે. છેક 1955માં અવસાન પામેલા શાપુરજી હોરમસજીનું પેઢીનામું રાતોરાત તૈયાર કરી 7/12માં તેની એન્ટ્રી પર પડાવી દીધી. બોગસ પેઢીનામા અનુસાર શાપુરજી હોરમસજી ઉપરાંત પત્ની જરબાઈ તથા પુત્રીઓ ગપલબાનુ, બાનુબાંદી તેમજ પુત્ર તરીકે હોરમસજી શાપુરજીનું નામ દાખલ કરાવી નાંખ્યું છે.
સવાલનો સવાલ એ છે કે શાપુરજીના પિતાનું નામ પણ હોરમસજી અને શાપરુજીના પુત્રનું નામ પણ હોરમસજી. આ આખીય નામની માયાજાળ રચીને જમીનનો વેપેલો કરનારાઓની સાથે રાજુ શેરાએ મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું સીધી રીતે ફલિત થઈ રહ્યું છે.
વિગતો મુજબ પાથરીની આ જમીન અંગે બખ્તાવર અરદેશર દુત્યા, જીમી દસ્તુરની પત્ની બાદ આ જમીન વહીદા રાજેશભાઈ હાલાણીને વેચાણથી આપવા માટેનો તખ્તો ગોઠવાયો અને તે પ્રમાણે દસ્તાવેજ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી પરંતુ જાગૃત લોકોએ પ્રાંત કચેરીમાં સમગ્ર જમીનના પેઢીનામા અંગેનો કાળો ચિઠ્ઠો અધિકારીઓ સમક્ષ રજૂ કરતા કૌભાંડીઓ હલબલી ગયા છે અને આખીય રાજુ શેરની ટોળકીમાં સોપો પડી ગયો છે.
ફિલ્મ “હસીના માન જાયેગી”માં “જો ચાચા હૈ, વો ચાચા નહી હૈ, ઔર જો ભતીજા હૈ વો ભતીજા નહીં હૈ, અસલમાં કોઈ ચાચા હૈ હી નહીં”નાં પ્રખ્યાત ડાયલોગની જેમ પાથરીના જમીન કૌભાંડમાં કહેવું પડી રહ્યું છે કે “બેટા વો બાપ હૈ, બાપ વો બેટા હૈ, બેટા કોઈ હૈ હી નહી”…શાપુર હોરમસજી દુત્યાથી લઈને હોરમસજી શાપુર દુત્યા સુધીના પેઢીનામા વિશે અધિકારીઓ દ્વારા કોઈ ખરાઈ કરવામાં આવી ન હોવાની બાબત પણ શંકાથી પર નથી. રાજુ શેરાના ઈશારે બોગસ પેઢીનામાનો કારસો રચવામાં આવ્યો હોવાની ધારદાર અને વેધક રજૂઆતો પ્રાંત અધિકારીને કરી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
1955માં અવસાન પામેલા શાપરુજી હોરમસજી દુત્યા નિ:સંતાન હોવાની વિગતો સાંપડી છે. આ વિગતો જોતાં શાપુરજીની બે પુત્રી અને એક પુત્ર કેવી રીતે આ જમીનમાં ઉગી નીકળ્યા તે મહત્વનો અને ગંભીર રીતે તપાસનો વિષય બની રહે છે. શાપુરજીના બોગસ વાલી વારસોને ખોટી રીતે 7/12માં ભચડીને એન્ટ્રી કરી આપનારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ તપાસ કરાય તો પ્રાંત કચેરીમાં ચાલી રહેલા કોઠા-કબાડા પરથી પરદો ઉંચકાઈ જવાની શક્યતાઓ રહેલી છે.
આ મામલે “સત્ય ડે” દ્વારા પણ પ્રાંત કચેરી, કલેક્ટ કચેરી સહિત ગાંધીનગર મહેસુલ વિભાગ અને SSRD સુધી તળિયાઝાટક તપાસ કરી કારસાબાજો સામે સખત કાર્યવાહી કરવા માટે ઉચ્ચ સ્તરે કાયદાકીય લડત ચલાવવાની તૈયારી કરી લેવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટમાં પણ આ પેઢીનામાને પડકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.