. વલસાડ જિલ્લામાં 24 કલાક દરમિયાન 12 ઇંચ ખાબકતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. વલસાડના ઉમરગામ રવિવારે 6 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.ચોમાસાની શરૂઆત બાદ થોડો વરસ્યા પછી વલસાડ જિલ્લામાં (Valsad District) વરસાદ બિલકુલ ઓછો થઈ ગયો હતો. જેને લઈ ગરમી અને ભારે ઉકળાટ વચ્ચે લોકો પરેશાન થઈ ગયા હતા. બીજીબાજુ ખેડૂતો (Farmer) પણ વરસાદ ખેંચતા વાવણીની શરૂઆત કરી શક્યા નહોતા.ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર માં આ વર્ષે વરસાદે ભારે ધમધમાટી બોલાવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ હવે મેઘો વરસતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. વલસાડ જિલ્લામાં શનિવારે સાંજે 6 થી રવિવારે સાંજે 6 સુધીમાં 24 કલાક દરમિયાન 12.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં રવિવારે સૌથી વધુ વરસાદ ઉમરગામમાં (Umargaam) 6 ઇંચ ખાબક્યો હતો. વાપીમાં 2 અને કપરાડા, પારડી તેમજ વલસાડમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો.
નવસારીમાં વરસાદે જોર પકડતા જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. નવસારીમાં 3 ઇંચ, જલાલપોર અને ગણદેવીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. નવસારી જિલ્લામાં થોડા દિવસો પહેલા હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદે ધુઆધાર બેટિંગ કરી હતી. પરંતુ ત્યારબાદ વરસાદનું જોર ધીમું પડ્યું હતું. તો છેલ્લા બે દિવસથી રાત્રી દરમિયાન વરસાદ પડતો હતો. જ્યારે દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું રહેતા ગરમી અને બફારથી લોકો અકળાયા હતા. ગત શનિવારે સાંજથી વરસાદે ફરી જોર પકડ્યું છે. રવિવારે દિવસ દરમિયાન પણ વરસાદ પડતાં જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. રસ્તાઓ તેમજ ગલી-મહોલ્લામાં વરસાદી પાણી ભરાયા હતા.