આજ રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ કેટલાક સ્થળોએ માવઠું પણ થયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી વિસ્તારમાં પણ ધીમા વરસાદ સાથે ઠંડો પવન ફુંકાયો હતો. શિયાળામાં વરસી રહેલા આ કમોસમી વરસાદ ઉત્તર-પશ્ચિમ ભારત પરથી પસાર થઇ રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આભારી છે. જેના કારણે ઇરાન તરફથી આવતા ભેજવાળા પવનનોના કારણે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે. જો કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં જીરુના પાકને નુકસાન થાય એવી સંભાવના વર્તાઈ રહી છે.
હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે આગામી 24થી 36 કલાક સુધી હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તેમજ માવઠું થવાની સંભાવના છે. જો કે 48 કલાક બાદ હવામાનમાં સુધારો જોવા મળશે. માવઠાની સાથે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ પવન પણ ફુંકાઇ શકે છે.