વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રવિવારે દિવસ દરમ્યાન વરસાદ(Rainfall) નોંધાયો ન હતો. જો કે વીતેલા 24 કલાક દરમિયાન કપરાડા તાલુકામા 2 ઇંચ અને ધરમપુર તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે અન્ય તાલુકામાં છુટોછવાયો વરસાદ(Rain) પડ્યો હતો. વલસાડ જિલ્લામાં રવિવારે નહિવત છુટો છવાયો વરસાદ પડ્યો હતો. જ્યારે ફ્લડ કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાકમાં કપરાડામાં 51 મી. મી, ધરમપુર 24 મી.મી, વાપીમાં 6 મી.મી., ઉમરગામ તાલુકામાં 4 મી.મી, પારડી 3 મી.મી અને વલસાડ 2 મી.મી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 200 મી.મી, ધરમપુરમાં 147 મી.મી, વાપીમાં 75 મી.મી, વલસાડ 66 મી.મી, ઉમરગામ 66 મી.મી અને પારડીમાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદની હવામાનની આગાહી વચ્ચે ગણદેવી તાલુકામાં રવિવારે ૧૬ મી.મી. વરસાદ(Rainfall) વરસ્યો હતો, તો બીજી તરફ બીલીમોરામાં વરસાદ માપક યંત્રના અભાવે કેટલો વરસાદ વરસ્યો તેની સાચી માહિતી મળી શકતી નથી. બીલીમોરામાં વરસાદ(Rain) માપવાનું કોઇ યંત્ર નહિ હોવાથી અને તાલુકામાં ૧૬ મી.મી.ની સામે બીલીમોરા શહેરમાં ઝરમર વરસાદ વરસતા તાલુકાના વરસાદના આંકડા બીલીમોરા શહેર સાથે સુસંગત બેસતા નથી. ભલે તાલુકા મથકે રવિવારે ૧૬ મીમી વરસાદ નોંધાયો છે. પણ બીલીમોરામાં તો ફક્ત રસ્તા ભીંજાવા સાથે ઝરમરીયો વરસાદ પડ્યો હતો.
ગણદેવી તાલુકામાં મેઘરાજાએ પોતાના આગમનની છડી પોકારી છે અને રવિવારે બપોરે વરસાદ વરસતા ગરમીથી તોબા પોકારી ઉઠેલા લોકોને રાહત પહોંચી હતી. ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતીકામમાં જોતરાઇ ગયા છે. આમ જોવા જાય તો હજી પણ વિધિસર ચોમાસાનો પ્રારંભ થયો નથી ફક્ત ઝરમર વરસાદ વરસી રહ્યો છે.વિશેષમાં બીલીમોરા વિસ્તારમાં વરસાદ માપક યંત્ર નહિ હોવાથી જ્યારે ગણદેવીમાં ધોધમાર વરસાદ પડતો હોય બીલીમોરામાં તેનો અડધો પણ વરસાદ પડતો નથી. તેવા સંજોગોમાં બીલીમોરામાં કેટલો વરસાદ વરસ્યો છે તેની સચોટ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. જેથી બીલીમોરામાં વહેલી તકે વરસાદ માપક યંત્ર ગોઠવાય તેવી માંગ ઉઠી છે. આ સાથે મોસમનો કુલ વરસાદ ૬૪ મી.મી. એટલે કે અંદાજીત અઢી ઇંચ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે.
સાપુતારા,વઘઇ : ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત શામગહાન પંથકમાં સતત 14માં દિવસે વરસાદ પડતા આ પંથકનાં ગામડાઓમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી, ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, માલેગામ સહીતનાં ગામડાઓમાં રવિવારે દિવસભર અસહ્ય બફારો અનુભવ થયો હતો, બાદમાં મોડી સાંજે 6 વાગ્યાનાં અરસામાં અચાનક હળવો વરસાદ વરસતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી, જેમાં સાપુતારા ખાતે રવિવારે એક દિવસની સહેલગાહે આવેલા પ્રવાસીઓએ વરસાદી મહોલની મઝા માણી ધન્યતા અનુભવી હતી.