Valsad: 100 જેટલા પશુપાલકો પોલીસ મથકે ધસી આવી મહિલા પ્રમુખ ની ખોટી ફરિયાદ હોવાનું જણાવી આલીપોર દૂધ ડેરીમાં ફરિયાદ કરવા રવાના
મહિલા પ્રમુખ લાંબા સમયથી દૂધ ન ભરતા અને પશુપાલનની પ્રવૃત્તિમાં ન હોવાના આક્ષેપો સાથે હોદ્દા પરથી દૂર કરવા પશુપાલકોની માંગ
પારડી તાલુકાના પરવાસા ગામમાં દૂધ ઉત્પાદન સહકારી મંડળી ના પ્રમુખ સામે આજરોજ પારડી પોલીસ મથકમાં દૂધ ભરતા પશુપાલકોએ લેખિત ફરિયાદ કરી હતી. અને મંડળીના પ્રમુખ દ્વારા પોલીસમાં આપવામાં આવેલ લેખિત ફરિયાદ રદ કરવા માંગણી કરી હતી. આજે 100 જેટલા પશુપાલકો પોલીસમાં લેખિત અરજી આપીને છેક આલીપોર દૂધ ડેરીમાં પોતાની ફરિયાદ અને રજૂઆત કરવા રવાના થયા હતા.
પારડી પોલીસ મથકે આજરોજ શુક્રવારના સવારે પરવાસા ગામના પશુપાલકો આવી પહોંચી મંડળીના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ રદ કરવા માંગ કરી હતી. પશુપાલકો એ જણાવ્યું હતું કે મહિલા સંચાલિત પરવાસા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના પ્રમુખ પદે રહેલા કલાબેન દેવાભાઈ પટેલ દૂધ મંડળીમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી દૂધ ન ભરતા અને પશુપાલનની પ્રવૃત્તિમાં ન હોવાના આક્ષેપો સાથે સભાસદો એ નિયમ મુજબ પ્રમુખ પદના હોદ્દા ઉપરથી દૂર થવા જણાવ્યું હતું. અને પ્રમુખ કલાબેને તારીખ આપી મીટીંગ કરવા જણાવ્યું હતું તેમાં તેઓ હાજર ન રહી પારડી પોલીસ મથકે ફરિયાદ કરતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો. અને આ ફરિયાદ ખોટી હોવાનું જણાવી રદ કરવા અને કલાબેન વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા પોલીસ મથકે માંગ કરી હતી.
વધુમાં મહિલા પશુપાલકો એ જણાવ્યું હતું કે માત્ર 24 રૂપિયા લિટર ના ભાવે દૂધ આપવામાં આવે છે, જે ખૂબ જ ઓછું છે અને આજે મોંઘવારીના જમાનામાં પશુઓનો ખોરાક અને અન્ય ખર્ચાઓમાં દૂધનો ભાવ પોષાતો ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે પશુપાલકોને મોંઘવારીના હિસાબે વ્યાજબી દૂધનો ભાવ મળે એવી માંગ કરી હતી. આ માંગણીને લઈ તેઓ વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન મંડળી આલીપોર ચીખલી ખાતે જવા 100 જેટલા પશુપાલકો રવાના થયા હતા અને દૂધના ભાવમાં વધારો કરવા તેમજ પરવાસા દૂધ મંડળીના મહિલા પ્રમુખ કલાબેન પટેલને બદલી કરી નિયમ મુજબ નવા પ્રમુખની વરણી કરવા માંગ કરશે હોવાનું જણાવ્યું હતું.