થર્ટી ફર્સ્ટની મહેફિલ પુરી કરી પહેલી જાન્યુઆરીમાં આવી ગયા પણ ઘણા પીધેલા દારૂ પીને ઘરે જવાને બદલે જેલપહોંચી ગયા હતા અને પોલીસ પાંજરે પુરાઈ ગયા હતા. વલસાડ પોલીસે શહેરમાંથી વણી વણીને દારુડીયાઓને પકડી લોકઅપ ભરી દીધું હતું. અનેક જગ્યા પર વલસાડ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવતા અનેક દારૂડિયાઓની 31 ફર્સ્ટ બગડી જવા પામી હતી. વલસાડ સિટી પોલીસની ટીમે શહેરના ખૂણે ખૂણે થી 80થી વધુ પીધેલાઓને પકડી જેલની હવા ખવડાવી હતી.
31ફર્સ્ટ પૂર્વે જ જિલ્લા પોલીસે નશો કરી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો સામે લાલ આંખ કરી કાયદો બતાવાની તૈયારીઓ બતાવી હતી જેમાં દક્ષિણ ગુજરાતની બોર્ડર જેમાં ઉમરગામ-સેલવાસ-દમણ-પાતાલિયા પર જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જિલ્લામાંથી લગભગ 700થી વધુ પીધેલાઓને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. સાથે વલસાડ શહેરમાં પણ શહેરના વિવિધ સ્થળો પર પોલીસે નાકાબંધી ગોઠવી લગભગ 80થી વધુ પીધેલાઓને પકડી પાડવામાં આવ્યા હતા
વલસાડ પોલીસ મથક બહાર પીધેલાઓને જામીન પર છોડવા માટે વકીલોની પણ ભીડ જોવા મળી હતી ત્યારે સીટી પોલીસ મથક બહાર જાણે મેળો જામ્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.