વલસાડ પંથક માં ‘માટીચોર’ બિલ્ડરો બેફામ !
વલસાડ તાલુકા માં સુઝલામ સુફલામ યોજના અંતર્ગત ચાલતા તળાવ માટી ખોદાણ કામ માં માટી ની મોટાપાયે તસ્કરી ચાલી રહી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે નિયમ મુજબ માટી ગામ બહાર જાય નહીં તેવો નિયમ અહીં કોઈને લાગુ પડતો નથી અને વલસાડ ના કેટલાક બિલ્ડરો મોટાપાયે માટી વહન કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમય થી આ કૌભાંડ ચાલી રહ્યું હોવાછતાં સબંધીતો માત્ર મલાઈ ખાઈ રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
વલસાડ માં હાલ માં જુદાજુદા મોટી પ્રોપર્ટી નું બાંધકામ ચાલી રહ્યું છે અને સાઇટ ઉપર ચહલ પહલ જોવા મળી રહી છે અહીં ના કન્ટ્રક્શન માં તેજી જોવા મળી રહી છે અને બિન્દાસ માટીચોરી થઈ રહી છે અગાઉ પણ બિલ્ડર્સ દ્વારા સરપંચ અને અન્ય તાલુકા માં ઘરોબો ધરાવતા કોન્ટ્રાક્ટર ની મિલીભગત માં આ કાંડ ચાલી રહ્યું હોવાના અહેવાલો મીડિયા માં બહાર આવી ચુક્યા હોવાછતાં થોડો સમય સમેટાયા બાદ ફરી પાછું આ કૌભાંડ ચાલુ થયુ હોવાનુ સામે આવ્યુ છે.
અગાઉ પીળી માટી ની ચોરી અંગે સત્યડે અખબાર માં આજુબાજુ ના ગામો માં થઈ રહેલી ચોરી મામલે વિસ્તૃત અહેવાલો પ્રકાશીત થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. આ અંગે જિલ્લા કલેકટર દ્વારા તપાસ ના આદેશ અપાયા હતા અને તાલુકા વિકાસ અધિકારી એ જેતે સમયે સરપંચ ને નોટિસ પાઠવી ખુલાસો પણ માંગ્યો હતો ત્યારે બિલ્ડરો હવે માટી ચોરી માં સક્રિય થતા આ ગેરકાયદેસર કાંડ માં કોણ કોણ સામેલ છે અને શા માટે કાયદા અને નિયમો નું ઉલ્લંઘન કરી રહયા છે તે બાબત તપાસ નો વિષય બની છે. કારણ કે કોરોના માં થયેલ નુકશાન ની ભરપાઈ કૌભાંડ મારફતે કમાવા ના સપના જોઈ રહેલા આવા તત્વો એ ચોમાસા પહેલા કેટલા નું કરી નાખ્યું છે તે મુદ્દો તપાસ નો વિષય બન્યો છે.