વલસાડ જિલ્લાની જાણીતી હાફૂસ કેરી હવે બજારમાં ઉપલબ્ધ છે પણ વેપારીઓની સિન્ડિકેટને પગલે પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી નથી.
કેરીનો પાક લેતા ખેડૂતો ખાસ કરીને રોહિણી નક્ષત્રની કાગડોળે રાહ જોતા હોય છે અને હવે આખરે તે સમય આવી પણ ગયો અને રોહિણી નક્ષત્ર બેસતાની સાથે એપીએમસીઓ કેરીથી ધમધમી ઉઠી છે.
રોહિણી નક્ષત્ર પછી હાફૂસ કેરીઓ પરિપક્વ અને ખાવાલાયક થતી હોવાથી પારડી,ધરમપુર, કપરાડા,વલસાડ, ઉમરગામ એપીએમસીમાં પૂરજોશમાં કેરીની સિઝન ચાલી રહી છે.
એપીએમસમાં સરેરાશ 4 થી 6 ટન સુધી સરેરાશ કેરીનો જથ્થો આવી રહ્યો છે.
હાલમાં એક અંદાજ મુજબ હાફુસના ભાવ 1000થી 1500 મણના બોલાય રહ્યાં છે. કેરી સિઝન હજુ આગામી 20 દિવસ ચાલશે.
જો કે આ વર્ષે ખેડૂતોને પુરતા ભાવ ન મળતાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કેટલાક ખેડૂતોમાં ચર્ચા છે કે વેપારીઓનું સિન્ડિકેટ કેરીના ભાવ ઓછો કરી રહ્યું છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ચાલુ વર્ષે હવામાનમાં વારંવાર પલટો આવતાની સાથે કેરીના પાક પર ગંભીર અસર થઇ છે અને ભારે પવન, કમોસમી વરસાદને કારણે વર્ષમાં એક વાર આવતા કેરીના પાક પર વિપરીત અસર થઇ અને ઉપરથી હવે વેપારીઓની સિન્ડિકેટ ખેડૂતોને ફાવવા દેતી નહિ હોવાની બૂમ ઉઠવા પામી છે.
જિલ્લામાં હાફુસ અને કેસરનું જ વેચાણ તથા વાવેતર વધુ પ્રમાણમાં થાય છે.બંને કેરીની ડિમાન્ડ વધુ રહે છે. હાલ જિલ્લામાં કુલ 37344 હેકટર વિસ્તારમાં આંબા પાકનું વાવેતર છે. જેમાંથી 20 થી 22 હજાર હેક્ટરમાં કેસર, 9 થી 10હજાર હેક્ટરમાં હાફૂસ અને બાકીના હેક્ટરમાં અન્ય કેરીનું વાવેતર છે.
આમ, સંપૂર્ણપણે પરિપક્વ કેરી જ્યારે બજારમાં પહોંચી ત્યારેજ ભાવો નીચા આવી જતા ખેડૂતો આ માટે વેપારીઓ ની સિન્ડિકેટને દોષ દઈ રહયા છે અને વચેટીયા વારો પાડી દેતા હોવાની બુમરાણ ઉઠવા પામી છે.
બીજી ખાસ વાત એ કે વિશ્વના બજારમાં વલસાડી હાફૂસ કેરીને અન્યાય થઈ રહ્યો છે,વલસાડ જિલ્લાના ખેડૂતોએ વલસાડી હાફૂસ કેરીને જીઆઇ ટેગ મળેતો વિશ્વ કક્ષાએ સારું વળતર મળી શકે પણ તે માટે હવે નજર રાખીને બેઠા છે,સ્થાનિક બજારમાં વેપારીઓ એક થઈ જતા પોષણક્ષમ પૂરતા ભાવો નહિ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.