વલસાડમાં રોજમદાર કામદરોની હડતાળના પગલે વલસાડના નગરજનોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પાણી પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. આજે વલસાડવાસીઓની સાથે કોંગ્રેસ, અપક્ષોએ વલસાડ નગરપાલિકાના ભાજપ શાસકોને રોજમદાર કામદારની હડતાળના કારણે પડી રહેલી પાણીની તકલીફને લઈ ભારે હોબાળો મચાવ્યો હતો. નગરપાલિકાની કચેરીએ મહિલાઓએ મોરચો કાઢી ભાજપ શાસકો અને વહીવટી તંત્ર સામે મોટાપાયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. માત્ર પાણી જ નહીં પરંતુ સાફ-સફાઈ સહિતના તમામ લોક સેવાના કાર્યો ખોરવાઈ જવા પામ્યા છે. જેને લઈને લોકોમાં ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે.
વલસાડ નગરપાલિકાના અપક્ષ નગરસવકોએ ઉપવાસી કામદારોની મુલાકાત લીધી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે ભાજપના અણધડ અને અણઆવડતવાળા વહીવટના કારણે રોજમદાર કામદારોની હડતાળ પડી છે અને તેનો ભોગ લોકો બની રહ્યા છે. જો ભાજપના પ્રમુખ, વહીવટી અધિકારી કામદારોના પ્રશ્નોનો નિવેડો નહીં લાવે તો કામદારોના સમર્થનમાં આવીને આમરણાંત ઉપવાસ કરવામાં આવશે. જ્યાં સુધી પાણી આપવામાં નહીં આવે ત્યાં સુધી પાલિકાના પગથીયા પર બેસી રહેશું.
ત્યાર બાદ મોટી સંખ્યામાં મહિલાઓએ પાણી આપો, પાણી આપોના નારા સાથે નગરપાલિકાના દાદર પર બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો. દાદર પર બેસીને વિરોધ પ્રદર્શિત કરી રહેલી મહિલા અને અપક્ષ નગરસેવકોએ ભાજપ શાસકોના છાજિયા લીધા હતા.
અપક્ષ નગરસેવકોનું કહેવું છે કામદારોની હડતાળને અમારું સમર્થન છે પરંતુ વલસાડના લોકોને પાણી મળવું જોઈએ. એક ટાઈમ પણ પાણી પુરવઠો ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી હતી વલસાડના ધોબી તળાવની મહિલાઓએ નગરપાલિકાની કચેરીને ધેરીને નારેબાજી કરી હતી.