IPL ઇતિહાસમાં ભુવીનો ‘વિરાટ’ રેકોર્ડ: ૨૦૦ મેચ રમનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બનશે

4 Min Read

IPLના ઈતિહાસમાં ભુવનેશ્વર કુમારનો ‘વિરાટ’ રેકોર્ડ: ૨૦૦ મેચ રમનાર પ્રથમ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર બનશે ‘સ્વિંગનો સુલતાન’

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં જ્યારે પણ ‘સ્વિંગ’ અને ‘ચોકસાઈ’ની વાત આવે છે, ત્યારે ભુવનેશ્વર કુમારનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની દુનિયામાં ભુવીએ એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે આજ સુધી કોઈ પણ ફાસ્ટ બોલર કરી શક્યું નથી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ભુવીની આ અદભૂત સફર અને તેની રમત પ્રત્યેની સમજણની મન ભરીને પ્રશંસા કરી છે.

ઐતિહાસિક ૨૦૦મી મેચ: એક અશક્ય લાગતો મુકામ

લખનઉના અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમમાં જ્યારે ભુવનેશ્વર કુમાર લખનઉ સુપર જાયન્ટ્સ સામે મેદાનમાં ઉતરશે, ત્યારે તે IPL ઈતિહાસમાં ૨૦૦ મેચ રમનાર ૧૨મો ખેલાડી બની જશે. જોકે, આ આંકડો માત્ર સંખ્યા નથી, પણ એક મોટો રેકોર્ડ છે. અત્યાર સુધી ૨૦૦ કે તેથી વધુ મેચ રમનારા તમામ ૧૧ ખેલાડીઓ કાં તો બેટ્સમેન છે, કાં વિકેટકીપર અથવા તો સ્પિન ઓલરાઉન્ડર છે.

- Advertisement -

koh.jpg

એક ફાસ્ટ બોલર માટે ૨૦૦ મેચ સુધી ફિટનેસ જાળવી રાખવી અને સતત પ્રદર્શન કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ભુવી આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર બનશે. તેની પાછળ ડ્વેન બ્રાવો (૧૬૧ મેચ) હતો જે હવે નિવૃત્ત થઈ ચૂક્યો છે. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવા બોલરો હજુ પણ આ આંકડાથી ઘણા દૂર છે.

- Advertisement -

વિરાટ કોહલીએ ગણાવ્યો ‘ટોપ-૩’ બોલરમાં એક

RCB દ્વારા શેર કરવામાં આવેલા એક ખાસ વીડિયોમાં વિરાટ કોહલીએ ભુવનેશ્વર કુમાર વિશે ખૂબ જ ગહન વાતો કરી છે. કોહલીએ કહ્યું, “૨૦૦ IPL મેચ રમવી, અને તે પણ એક ફાસ્ટ બોલર તરીકે, તે કોઈ નાની સૂની વાત નથી. તે તેની ફિટનેસ, રમત પ્રત્યેની તેની સમજ અને સતત સારા પ્રદર્શનની સાક્ષી પૂરે છે. ભુવીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાં પોતાને સાબિત કર્યો છે.”

કોહલીએ વધુમાં ઉમેર્યું કે, “જ્યારે તમે તેના ઇકોનોમી રેટ, વિકેટ લેવાની ક્ષમતા અને ડોટ બોલ્સની સંખ્યા જુઓ છો, ત્યારે સમજાય છે કે તે કેટલો મહાન બોલર છે. ભુવી ચોક્કસપણે IPL ઈતિહાસના ટોપ-૩ ફાસ્ટ બોલરોમાં સ્થાન ધરાવે છે. દબાણની સ્થિતિમાં તમે આંખ બંધ કરીને તેના પર ભરોસો કરી શકો છો.”

આંકડાની નજરે ભુવનેશ્વરનું પ્રભુત્વ

  1. વિકેટોનો ડબલ સેન્ચુરી: ભુવી IPLમાં ૨૦૦ વિકેટનો આંકડો પાર કરનાર એકમાત્ર ફાસ્ટ બોલર છે. હાલમાં ૧૯૯ મેચમાં તેની પાસે ૨૧૫ વિકેટ છે અને તે યુઝવેન્દ્ર ચહલ પછી સૌથી વધુ વિકેટ લેનાર બીજા ક્રમનો બોલર છે.
  2. પર્પલ કેપનો બાદશાહ: ભુવનેશ્વર કુમાર IPL ઈતિહાસનો એકમાત્ર એવો બોલર છે જેણે સતત બે વર્ષ (૨૦૧૬ અને ૨૦૧૭) પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ) જીતી હોય.
  3. ડોટ બોલ્સનો રેકોર્ડ: ટી-૨૦ ક્રિકેટમાં રન રોકવા સૌથી મહત્ત્વના હોય છે. ભુવીએ અત્યાર સુધીમાં ૧૭૯૩ ડોટ બોલ ફેંક્યા છે, જે IPLમાં કોઈપણ બોલર દ્વારા કરવામાં આવેલો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છે.

- Advertisement -

RCB માટે ‘લકી ચાર્મ’ અને ૨૦૨૫નું ટાઇટલ

ભુવનેશ્વર કુમાર લાંબો સમય સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સાથે રહ્યો અને ૨૦૧૬માં તેમને ચેમ્પિયન બનાવ્યા. પરંતુ તેની કારકિર્દીનો બીજો સુવર્ણ અધ્યાય ૨૦૨૫માં લખાયો જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેને ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો. ભુવીએ તે સીઝનમાં ૧૭ વિકેટ ઝડપીને RCBને તેમનું પ્રથમ IPL ટાઇટલ જીતવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

Share This Article