સલ્ફર ડાયોક્સાઇડનું વાદળ ગુજરાતમાં પ્રવેશ્યું, આરોગ્ય અને હવામાન પર ગંભીર અસર થવાની ભીતિ
ઇથોપિયામાં સક્રિય થયેલા હાઇલી ગુબ્બી જ્વાળામુખીમાંથી નીકળેલ રાખ અને સલ્ફર ડાયોક્સાઇડનું ઘન વાદળ હવે ભારતીય હવામંડળ સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ હવાના વેગ અને દિશાના કારણે આ રાસાયણિક કણો ઝડપથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા છે. હાલમાં આ વાદળની સૌથી પહેલી અસર ભારતીય ઉપખંડના પશ્ચિમ ભાગમાં જોવા મળી રહી છે, જે આગામી કેટલાક દિવસોમાં વધુ વિસ્તરે તેવી શક્યતા છે.
ગુજરાત અને રાજસ્થાનમાં જાગૃતિ જરૂરી
હાલના હવામાનની સ્થિતિ મુજબ આ ઝેરી વાદળ કચ્છ મારફતે ઉત્તર ગુજરાતમાં પ્રવેશતું હોવાનું અનુમાન છે. નિષ્ણાતોની પ્રાથમિક તપાસ મુજબ વાદળનો પટ્ટો ઘણો સાંકડો છે, પરંતુ તેની અસર રાજસ્થાન અને દિલ્હી જેવા ઉત્તર ભારતના વિસ્તારો સુધી પણ પહોંચી શકે છે. જો હવામાનનો વેગ બદલાય તો કણો વધુ વિસ્તૃત વિસ્તારમાં ફેલાઈ શકે છે અને તેની અસર વધુ દિવસો સુધી અવરજવર અને સ્વાસ્થ્ય પર રહી શકે છે.
આરોગ્ય પર પડતી અસર અને સાવચેતી
સલ્ફર ડાયોક્સાઇડ અને સૂક્ષ્મ રાખના કણો માણસના શ્વસન તંત્ર માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આવા માહોલમાં લોકોને ગળામાં બળતરા, ખાંસી, શરદી, આંખોમાં ચોડ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો વધવાની શક્યતા રહે છે. વિશેષ કરીને એલર્જી અથવા અસ્થમાથી પીડાતા લોકોએ બહાર જવું ટાળવું અને માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. ઘરમાં વાયુ પ્રવાહ ઓછો રહે તે માટે બારણાં બંધ રાખવાની સલાહ આપવામાં આવે છે.
હવામાન બદલાય તો જોખમ વધશે
મોસમમાં અચાનક ઠંડી વધે, તાપમાન ઘટે કે કમોસમી વરસાદ આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે ભળી જઈ એસિડિક પ્રવાહીનું સ્વરૂપ લઈ લે છે, જે એસિડ વરસાદ રૂપે વરસે તો ખેતીના પાક, વૃક્ષો અને જમીનની ફળદ્રુપતા પર ભારે અસર કરે. આ ઉપરાંત માનવ ચામડી પર દાઝી જવાની શક્યતા પણ રહે છે, તેથી હાલના દિવસો જનતા માટે વિશેષ સાવચેતીની માંગ છે.
પાકને અને પર્યાવરણને નુકસાનની ભીતિ
નિષ્ણાતોના મતે જો રાખનું વાદળ વધુ દિવસો સુધી હવામાં ટકીને રહે તો ખેતી, પશુપાલન અને પાણીના સ્ત્રોતો પર નકારાત્મક અસર થઈ શકે છે. સલ્ફર ડાયોક્સાઇડના કારણેથી બનેલા એસિડિક તત્ત્વો માટીની ગુણવત્તા ઘટાડે છે અને પાકની વૃદ્ધિને રોકે છે. ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની અને માહોલ બદલાય ત્યારે તાત્કાલિક જાણકારી મેળવવાની સલાહ આપવામાં આવી છે.

