“હર ઘર સ્વદેશી” ના મંત્ર સાથે વ્યારા નગરપાલિકાનો મેળો રહ્યો મહિલાઓના સશક્તિકરણનો જીવંત દાખલો
વ્યારા નગરપાલિકા દ્વારા આયોજિત ૧૦ દિવસીય ‘સ્વદેશી મેળો ૨૦૨૬’ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. “હર ઘર સ્વદેશી” અને “સર્જનથી સમૃદ્ધિ”ના મંત્રને સાર્થક કરતા આ મેળામાં સખીમંડળની બહેનોએ ૫૦ જેટલા સ્ટોલ્સ દ્વારા પોતાની વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો. આ મેળાએ સ્થાનિક મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે અને તેમને આર્થિક રીતે પગભર થવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
૧૦ દિવસમાં ૨૨ લાખથી વધુનો વેપાર: સખીમંડળની બહેનોની મોટી સિદ્ધિ
આ મેળામાં સખીમંડળની બહેનોએ માત્ર ૧૦ દિવસના ટૂંકા ગાળામાં ૨૨ લાખ રૂપિયાથી વધુનો વેપાર કરીને સૌને ચોંકાવી દીધા છે. સોનગઢના ટાપરવાડા ગામના લીઝા સખીમંડળના પ્રમુખ રમાબેન ગામીતે જણાવ્યું કે, નાગલીના બિસ્કિટ, પાપડ અને લસણની ચટણી જેવી દેશી વાનગીઓના વેચાણથી તેમને ૨૦ થી ૨૫ હજાર રૂપિયાની આવક થઈ છે. સરકાર દ્વારા વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવતા બહેનોએ વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ: નાગલી અને મિલેટ્સની વાનગીઓની ધૂમ
સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મેળામાં મુલાકાતીઓએ દેશી અને શુદ્ધ આહાર પર પસંદગી ઉતારી હતી. ખાસ કરીને પૌષ્ટિક નાગલીના પાપડ, મિલેટ્સની મીઠાઈઓ, લસણની ચટપટી ચટણી અને સ્વાદિષ્ટ અથાણાંએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આજના સમયમાં જ્યારે લોકો કેમિકલ મુક્ત અને શુદ્ધ ખોરાક શોધી રહ્યા છે, ત્યારે સખીમંડળની બહેનોએ સાબિત કરી દીધું કે સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ આપણા ઘરઆંગણે જ ઉપલબ્ધ છે.
કુદરતી કોસ્મેટિક્સ અને વાંસની કલાવૃતિઓએ આકર્ષણ જમાવ્યું
વેપારની સાથે આ મેળો પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનું પણ માધ્યમ બન્યો હતો. લીમડા, કેસુડા અને ચંદન જેવા કુદરતી તત્વોમાંથી બનાવેલા કોસ્મેટિક્સની ભારે માંગ જોવા મળી હતી. આ ઉપરાંત, વાંસમાંથી બનાવેલી ઘર સુશોભનની અદભૂત વસ્તુઓ અને કલાવૃતિઓએ મેળાની શોભા વધારી હતી. ૧૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મેળામાં લોકોએ સ્વદેશી વસ્તુઓને અપનાવીને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

