પાકિસ્તાને બાંગ્લાદેશ સાથે કર્યો દગો: એરસ્પેસ મંજૂરી ન મળતા રૂપપુર પરમાણુ પાવર પ્લાન્ટ માટે યુરેનિયમનો પુરવઠો ખોરવાયો
ઢાકા: દક્ષિણ એશિયાના રાજકારણમાં ફરી એકવાર મોટા તણાવના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાકિસ્તાને બાંગ્લાદેશને મોટો ઝટકો આપતા તેના મહત્વાકાંક્ષી રૂપપુર પરમાણુ પાવર પ્લાન્ટ (Rooppur Nuclear Power Plant) માટે જરૂરી યુરેનિયમ ઇંધણ લઈ જતા ખાસ કાર્ગો વિમાનને પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાન સરકાર અને પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના આ અણધાર્યા પગલાને કારણે રશિયાથી બાંગ્લાદેશ આવી રહેલું પરમાણુ ઇંધણ નિર્ધારિત સમયે પહોંચી શક્યું નથી, જેનાથી બંને દેશો વચ્ચે રાજદ્વારી ગરમાવો આવી ગયો છે.
બાંગ્લાદેશના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ફકીર મહબૂબ અને મંત્રાલયના સંયુક્ત સચિવ શેખ મોહમ્મદ તૌહિદુલ ઇસ્લામે આ ઘટનાક્રમ અંગે વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે રશિયાથી પરમાણુ ઇંધણ એટલે કે યુરેનિયમ લઈને આવતું સ્પેશિયલ કાર્ગો વિમાન ૨૪ સપ્ટેમ્બરે ઢાકા એરપોર્ટ પર પહોંચવાનું હતું. બાંગ્લાદેશી અધિકારીઓ અને એટોમિક એનર્જી કમિશનની ટીમો એરપોર્ટ પર તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે વિમાનના આગમનની રાહ જોઈ રહી હતી. પરંતુ છેલ્લી ઘડીએ પાકિસ્તાની એરસ્પેસ ક્લિયરન્સ ન મળવાના કારણે આ એર શિપમેન્ટ રદ કરવું પડ્યું હતું.
રશિયાની રોસાટોમ કંપનીએ શિપમેન્ટ રિ-શેડ્યૂલ કર્યું
આ સમગ્ર પ્રોજેક્ટનું નિર્માણ રશિયાની સરકારી પરમાણુ ઊર્જા કંપની રોસાટોમ (Rosatom) દ્વારા કરવામાં આવી રહ્યું છે. રોસાટોમના સંપર્ક અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે માર્ગમાં એરસ્પેસ મંજૂરી ન મળવાને કારણે ૨૪ સપ્ટેમ્બરે યુરેનિયમનું સપ્લાય કરવું અશક્ય બન્યું હતું. પરિણામે, હવે ઇંધણ પુરવઠાનું ટાઇમટેબલ બદલવાની ફરજ પડી છે. રશિયન એજન્સી તરફથી જણાવવામાં આવ્યું છે કે હવે તમામ કાનૂની અને હવાઈ મંજૂરીઓ પૂર્ણ કર્યા બાદ ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં આ યુરેનિયમનો જથ્થો બાંગ્લાદેશ પહોંચાડવામાં આવશે.

મહત્વની બાબત એ છે કે પાકિસ્તાની સત્તાવાળાઓએ કયા વિશિષ્ટ કારણોસર રશિયન કાર્ગો વિમાનને પોતાની હવાઈ સીમામાંથી પસાર થવા દીધું નહીં, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. પાકિસ્તાનની આ હિલચાલને બાંગ્લાદેશના આર્થિક અને ઊર્જા વિકાસમાં રોડાં અટકાવવાની કૂટનીતિક ચાલ તરીકે જોવામાં આવી રહી છે.
શું છે રૂપપુર પરમાણુ પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ?
રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ બાંગ્લાદેશના ઇતિહાસનો પ્રથમ પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ બાંગ્લાદેશના પબના જિલ્લાના ઈશ્વરદી ઉપજિલ્લામાં પદ્મા નદીના કાંઠે આવેલા રૂપપુર ગામ ખાતે આકાર લઈ રહ્યો છે. આ પ્રોજેક્ટનું સુપરવિઝન બાંગ્લાદેશ એટોમિક એનર્જી કમિશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પ્લાન્ટમાં રશિયાની અત્યાધુનિક ત્રીજી પેઢીના (3rd Generation+) બે VVER-1200 રિએક્ટર યુનિટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ બંને યુનિટ કાર્યરત થયા બાદ કુલ ૨,૪૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે, જે બાંગ્લાદેશમાં વધી રહેલી ઊર્જાની કટોકટીને દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

દક્ષિણ એશિયાના સંતુલન પર અસર
પાકિસ્તાન દ્વારા રશિયન વિમાનને અટકાવવાના પગલાથી માત્ર બાંગ્લાદેશ જ નહીં પરંતુ રશિયા પણ નારાજ થયું છે. એકતરફ બાંગ્લાદેશ પોતાના ઊર્જા ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા અબજો ડોલરના રોકાણથી આ પ્લાન્ટ તૈયાર કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાનની આ અડિંગાઈ દક્ષિણ એશિયામાં નવા રાજકીય સમીકરણો સર્જી શકે છે. બાંગ્લાદેશી વહીવટીતંત્રે હવે વૈકલ્પિક હવાઈ માર્ગો અથવા દરિયાઈ માર્ગો પર વિચારણા શરૂ કરી છે જેથી ભવિષ્યમાં પરમાણુ ઇંધણના પુરવઠામાં આવો વિલંબ ન થાય.
