તાપીમાં વિકાસના નામે ભ્રષ્ટાચારનું ‘લીકેજ’: સોનગઢમાં નવી બનેલી પાણીની ટાંકી બની શોભાના ગાંઠિયા સમાન
સોનગઢ: તાપી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની કામગીરી ફરી એકવાર વિવાદના વંટોળમાં સપડાઈ છે. સોનગઢ તાલુકાના ગોપાલપુરા ગામે વર્ષોની રાહ જોયા બાદ ગ્રામજનોની પાણીની સમસ્યાના નિરાકરણ માટે જે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, તે લોકાર્પણ પહેલા જ પોતાની પોલ ખોલી રહી છે. ટાંકીનું ટેસ્ટિંગ કરતા જ તેમાંથી પાણીનું લીકેજ જોવા મળ્યું હતું, જે બાંધકામમાં થયેલા મોટા ભ્રષ્ટાચારની સાબિતી આપી રહ્યું છે.
ભ્રષ્ટાચારના પાયા પર ચણાયેલી ટાંકી
ગોપાલપુરાના ગ્રામજનો વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા, પરંતુ નવી ટાંકી બન્યા બાદ પણ તેમને રાહત મળતી જણાતી નથી. ટેસ્ટિંગ દરમિયાન ટાંકીમાં જોવા મળેલું લીકેજ સ્પષ્ટ કરે છે કે બાંધકામમાં હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શું આ ટાંકી પણ માંડવીમાં તૂટી પડેલી ટાંકીની જેમ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપશે? જો આવું થાય તો જવાબદાર કોણ રહેશે, તે એક મોટો પ્રશ્ન છે.
તપાસનો વિષય: કોન્ટ્રાક્ટરની મિલીભગત અને અધિકારીઓની કૃપા?
લોકોમાં અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ટાંકીનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર કોણ છે? આ કોન્ટ્રાક્ટરે અન્ય કયા વિસ્તારોમાં કામ કર્યું છે અને ત્યાંની સ્થિતિ શું છે, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. સૌથી મહત્વનો સવાલ એ છે કે, જે કામમાં સ્પષ્ટ ખામીઓ દેખાઈ રહી છે, તેના બિલ કયા અધિકારીની કૃપાથી મંજૂર કરવામાં આવ્યા? શું આમાં કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ, તે અંગે તટસ્થ તપાસ થવી અત્યંત અનિવાર્ય છે.
અધિકારીઓની લાપરવાહી અને મૌન
આ સમગ્ર મામલે જ્યારે તાપી જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારી ટંડેલ સાહેબનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે તેઓ ફોન ઉપાડવાનું પણ ટાળે છે. જવાબદાર હોદ્દા પર બેઠેલા અધિકારીનું આ પ્રકારનું મૌન ભ્રષ્ટાચારને છાવરવાનો પ્રયાસ તો નથી ને? જનતાના પરસેવાની કમાણીમાંથી ટેક્સના નાણાં વેડફાઈ રહ્યા છે, ત્યારે અધિકારીઓ જવાબ આપવાથી કેમ ભાગી રહ્યા છે, તેનો ખુલાસો હવે ક્યારે થશે?

