મોટો ધમાકો! હવે અલગ એપ ખોલવાની જરૂર નથી, WhatsApp પરથી જ ભરાશે વીજળી-ગેસના બિલ!
આજના ડિજિટલ યુગમાં આપણે દરેક નાના-મોટા કામ માટે અલગ-અલગ મોબાઈલ એપ પર નિર્ભર છીએ. મોબાઈલ રિચાર્જ કરવા માટે એક એપ, વીજળીનું બિલ ભરવા માટે બીજી એપ અને ક્રેડિટ કાર્ડના ચૂકવણા માટે ત્રીજી એપ. પરંતુ હવે ટેક ક્ષેત્રની દિગ્ગજ કંપની મેટા (Meta)ના માલિકી હસ્તકના જાણીતા મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે (WhatsApp) ભારતીય યુઝર્સ માટે એક મોટી અને અત્યંત ઉપયોગી સુવિધાની જાહેરાત કરી છે. હવે વોટ્સએપ યુઝર્સ એપ છોડ્યા વિના જ પોતાના રોજિંદા ઘરગથ્થુ બિલ જેવા કે વીજળી, ગેસ, પાણી વગેરેની ચૂકવણી સરળતાથી કરી શકશે.
વોટ્સએપ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ભારત કનેક્ટ (BBPS – ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ) નેટવર્કના સહયોગથી આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ નવી સુવિધા અંતર્ગત યુઝર્સને વીજળી, પાઇપલાઇન ગેસ, પાણી, ફાસ્ટેગ (FASTag), ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ક્રેડિટ કાર્ડ બિલ અને હોમ લોન કે પર્સનલ લોનની EMI સહિત ૩૦થી વધુ અલગ-અલગ શ્રેણીઓમાં ૨૨,૭૨૨થી વધુ બિલર્સ સુધી પહોંચ મળશે.

દરેક એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સને મળશે લાભ
વોટ્સએપ તરફથી જણાવાયું છે કે આ સુવિધા સમગ્ર દેશમાં તબક્કાવાર (phase-wise) રીતે રજૂ કરવામાં આવી રહી છે. આવનારા થોડા જ દિવસોમાં આ નવું ફીચર તમામ એન્ડ્રોઇડ (Android) અને આઇઓએસ (iOS) વર્ઝન વાપરતા ગ્રાહકો માટે ઉપલબ્ધ થઈ જશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ ખૂબ ઝડપથી વધ્યું છે. ખાસ કરીને યુપીઆઈ (UPI)ના વ્યાપક ઉપયોગ, સ્માર્ટફોનની વધતી સંખ્યા અને દૈનિક નાણાકીય વ્યવહારો ઓનલાઈન થવાને કારણે લોકોનું જીવન ઘણું સરળ બન્યું છે. વોટ્સએપના આ નવા પગલાથી હવે મેસેજ મોકલવા જેટલી જ સરળતાથી બિલ ચૂકવવું શક્ય બનશે. યુઝર્સ એપની હોમ સ્ક્રીન પર આપેલા આઇકન પર ટેપ કરીને જૂના ચૂકવાયેલા બિલ અને આવનારા નવા બિલની વિગતો જોઈ શકશે, તેમજ એક જ સર્વિસ પ્રોવાઈડર હેઠળ મલ્ટીપલ એકાઉન્ટ્સનું સંચાલન કરી શકશે.
“બિલ ભરવું હવે મેસેજ મોકલવા જેટલું સરળ બનશે”
મેટા (ભારત)ના મેનેજિંગ ડિરેક્ટર અને પ્રાદેશિક વડા અરુણ શ્રીનિવાસે આ લોન્ચિંગ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કરોડો ભારતીયો માટે વોટ્સએપ એ પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહેવા, વેપારીઓ સાથે વાતચીત કરવા, નાગરિક સેવાઓનો લાભ લેવા અને મેટ્રો ટિકિટથી લઈને વીમા પોલિસી ખરીદવા માટેનું સૌથી સરળ માધ્યમ બની ગયું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ સુવિધા દ્વારા અમે બિલ પેમેન્ટની પ્રક્રિયાને એકદમ સરળ બનાવી રહ્યા છીએ. હવે યુઝર્સે અલગ-અલગ એપ ડાઉનલોડ કરવાની કે બિલ ભરવાની છેલ્લી તારીખો યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દૂર-દૂરના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો સુધી ડિજિટલ ચૂકવણીની સુવિધા પહોંચાડવાનો છે.”
વોટ્સએપ બિલ પેમેન્ટના મુખ્ય ફીચર્સ
૧. ઘરના બિલની સમરી (Bill Fetching): તમે જે બિલરને અગાઉ ચૂકવણી કરી હશે, તેની વિગતો સિસ્ટમ આપમેળે ફેચ (fetch) કરી લેશે. ‘પેમેન્ટ્સ હોમ’ ઓપ્શનમાં જઈને તમે માત્ર એક જ ક્લિકથી બિલ ચૂકવી શકશો.
૨. એક જ બિલર માટે મલ્ટીપલ એકાઉન્ટ્સ: તમે એક જ પ્રોવાઈડર હેઠળ પોતાના ઘર, ઓફિસ કે પરિવારના અન્ય સભ્યોના બિલ એક જ જગ્યાએથી મેનેજ કરી શકશો.
૩. પોપ્યુલર કેટેગરીઝ: વારંવાર વપરાતી બિલ કેટેગરીઝ સ્ક્રીન પર સૌથી ઉપર દેખાશે. આ ઉપરાંત “See All” પર ટેપ કરીને ૨૦થી વધુ શ્રેણીઓની પૂરી યાદી જોઈ શકાશે.

વોટ્સએપ પર બિલ પેમેન્ટ કેવી રીતે કરવું?
સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરી હોમ સ્ક્રીન પર ઉપર આપેલા રૂપિયા (₹) ના આઇકન પર ટેપ કરો.
બિલ કેટેગરી અને તમારા બિલર (કંપની)ની પસંદગી કરો.
તમારો એકાઉન્ટ નંબર કે કન્ઝ્યુમર આઈડી ઉમેરીને વિગતો કન્ફર્મ કરો.
સ્ક્રીન પર દેખાતી બિલની રકમ અને અન્ય જરૂરી માહિતી ચકાસી લો.
તમારી પસંદગી મુજબ UPI, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ પસંદ કરી પેમેન્ટ કન્ફર્મ કરો.
ભારતમાં UPI નો ઐતિહાસિક રિકોર્ડ અને વધતો વ્યાપ
આ લોન્ચિંગ એવા સમયે થયું છે જ્યારે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શને તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ઓગસ્ટ ૨૦૨૬માં યુપીઆઈ પ્રોસેસિંગ દ્વારા ૨૪.૫૧ અબજથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા, જે જુલાઈ મહિના કરતા ૩.૬ ટકા વધુ છે. જ્યારે આ ટ્રાન્ઝેક્શનની કુલ કિંમત ૨૯.૮૨ લાખ કરોડ રૂપિયા રહી હતી.
વાર્ષિક ધોરણે જોઈએ તો ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં ૨૨ ટકા અને કુલ વેલ્યુમાં ૨૦ ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરેરાશ દૈનિક ધોરણે ૭૯૧ મિલિયન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. ઓગસ્ટ ૨૦૨૬ એ સળંગ બીજો એવો મહિનો રહ્યો છે જ્યાં ડિજિટલ ટ્રાન્ઝેક્શને નવો ઇતિહાસ રચ્યો છે.
એપ્રિલ ૨૦૧૬માં શરૂ થયેલા યુપીઆઈએ પોતાના દસ વર્ષ પૂરા કરી લીધા છે. શરૂઆતના વર્ષ ૨૦૧૬-૧૭માં જ્યાં માત્ર ૨ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, ત્યાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આ આંકડો ૨૪,૧૬૧ કરોડને પાર કરી ગયો છે, જેની કુલ વેલ્યુ ૩૧૪ લાખ કરોડ રૂપિયાથી વધુ થાય છે. આજે યુપીઆઈ નેટવર્ક સાથે ૭૦૦થી વધુ બેંકો જોડાયેલી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અનુસાર, વિશ્વભરમાં થતા કુલ રિયલ-ટાઈમ ડિજિટલ પેમેન્ટ્સમાંથી ૪૯ ટકા હિસ્સો એકલા ભારતનો છે. હાલમાં યુપીઆઈ ફ્રાન્સ, સિંગાપોર, યુએઈ, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, મોરેશિયસ અને કતાર જેવા ૮ દેશોમાં પણ સક્રિય છે.
