Surat : અમદાવાદ પોલીસે સાયબર માફિયાઓ વિરુદ્વ ગુજસીટોક હેઠળ કરી દાખલારુપ કાર્યવાહી
અમદાવાદ પોલીસે આર્થિક માફિયાઓ અને સાયબર માફિયા વિરુદ્વ ગુજસીટોક લાગુ કરતાંની સાથે જ સાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. થોડા સમય પહેલાના ક્રિપ્ટો કરન્સી કાંડના સાત ગુનેગારો વિરૂદ્ધ અમદાવાદ પોલીસે ગુજસીટોક લગાવી દેતા સાયબર માફિયાઓમાં ખળભળાટ જોવા મળે છે. અમદાવાદમાં સાત સાયબર માફિયાઓને ગુજસીટોક હેઠળ જેલભેગા કરવામાં આવ્યા છે. આવી જ રીતે હવે સુરતમાં આર્થિક માફિયા અને સાયબર માફિયાઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે.
વિગતો મુજબ ક્રિપ્ટો કરન્સીના 300 એકાઉન્ટમાં 300 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. અમદાવાદમાં ત્રણ અને ગાંધીધામમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો.
વિગતો મુજબ 300 કરોડના ટ્રાન્ઝેક્શન મામલે પોલીસે સાવન ઠકરાર, ધવલ ઠકરાર. ગોવિંદ રાવલ, બ્રિજરાજસિંહ ગઢવી, કેવલ ગઢવી, હસમુખ પટેલ અને મિલન નામે સાયબર માફિયાઓ સામે કેસ દાખલ કરી ધરપકડ કરી હતી. સાયબર ગઠીયાઓ વિરૂદ્ધ છેતરપિંડી તેમજ આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હોવાના કારણે તે થોડા મહિનાઓમાં જામીન પર છુટીને બહાર આવી જાય છે અને ત્યારબાદ ફરીથી લોકો સાથે ઠગાઇ કરી દેવાનું ચાલુ કરી દેતા હોય છે. સાયબર ક્રિમીનલ પર કંટ્રોલ આવે અને લોકો ઠગાઈનો ભોગ બનતા અટકે તે માટે સાયબર ક્રાઇમ પોલીસે ગુજસીટોકની કાર્યવાહી કરી છે. આખી ગેંગ ચીનની ગેંગ સાથે મળીને સાયબર ફ્રોડ કરતી હતી.
આઈટી એક્ટની કલમ હેઠળ આસાનીથી જેલની બહાર આવવાની ગણતરી રાખતા આ સાયબર માફિયાઓની જેમ જ સુરતના આર્થિક માફિયા અને સાયબર માફિયાઓ પણ કાયદાની છટકબારીનો ગેરઉપયોગ ન કરે તે માટે સુરત પોલીસ સતર્ક અને સાવચેત બની ગઈ છે.
હાલમાં રાંદેર રોડ સુરતના કુખ્યાત ખંડણીખોરો ઈમ્તિયાઝ સદ્દામ અને સાહિલ ગોડીલની ધરપકડ કરવામાં આવી છે. આ બન્નેની સામે ચાર એફઆઈઆર નોંધવામાં આવી છે. મહિધરપુર, અઠવા,લાલગેટ અને અમરોલીમા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સાહિલ ગોડીલની અમરોલીના કેસમાં જેલમાંથી ટ્રાન્સફર વોરંટનાં આધારે ધરપકડ કરવામાં આવી છે.
સુરતના આર્થિક માફિયાઓની માફિગીરીનો સફાયો કરવા ક્રિપ્ટો કરન્સી, USDT સહિત ગેમિંગ ફંડનો કાળો કારોબાર કરી યુવાનો અને લોકોને લોભામણી લાલચો આપી રુપિયા ખંખેરી લેવાના વેપલા પર સુરત પોલીસ અંકૂશ મેળવવા ગુજસીટોકની કાર્યવાહી કરવા માટે ગંભીર બની રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈમ્તિયાઝ સદ્દામ અને સાહિલ ગોડીલ પોલીસનાં શિકંજામાં છે જ્યારે ફૈઝલ ગોડીલ ભાગેડુ છે અને મોટાભાગે દુબઈ ભાગી છૂટ્યો હોવાની આશંકા છે.
,સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સુરતમાં અબજો રુપિયાનું સાયબર ક્રાઈમ કરનાર મકબૂલ ડોક્ટર સહિત તેના પુત્રો વિરુદ્વ પણ ગુજસીટોકની તલવાર લટકતી જોવા મળી રહી છે. આ સિવાય તાજેતરમાં સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા સિનિયર સિટીઝનની ડિજિટલ અરેસ્ટ કરનારા ઉંમર જનરલ, યુનુસ જનરલ, અહેમદ પીરભાઈ સામે પણ પોલીસ ગુજસીટોકના શસ્ત્ર ઉગામવાની શક્યતાને નકારી શકાતી નથી.