વિશ્વ સિંહ દિવસ 2025: ગુજરાતના બરડા અભયારણ્યે સાબિત કર્યું કે રાજ્ય સિંહ સંરક્ષણમાં અગ્રેસર છે
10 ઓગસ્ટ, વિશ્વ સિંહ દિવસ નિમિતે, ગુજરાત માટે આ પ્રસંગ ગૌરવનો છે. ગુજરાત એશિયાઈ સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન તરીકે ઓળખાય છે અને હવે ગીર સિવાય બરડા વન્યજીવન અભયારણ્ય પણ સિંહોના નવાં નિવાસસ્થાન તરીકે વિકસ્યું છે.
બરડા: સિંહોના નવા ઘરના રૂપમાં
પોરબંદર નજીક આવેલું બરડા વન્યજીવન અભયારણ્ય, ‘પ્રોજેક્ટ લાયન’ હેઠળ નિવાસસ્થાન વૈવિધ્યકરણ માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. જરૂરી સુવિધાઓ અને સુરક્ષાને કારણે બરડા વન્યજીવન અભયારણ્ય સિંહો માટે એક આદર્શ નિવાસસ્થાન બની ગયું છે. રેડિયો કોલર અને રીઅલ-ટાઇમ ટ્રેકિંગ જેવા ઉપકરણો દ્વારા અહીં સિંહોનું નિરીક્ષણ વધુ અસરકારક બન્યું છે. બરડા વન્યજીવન અભયારણ્યમાં સિંહ અને દીપડા બંનેની હાજરી સ્વસ્થ ઇકોસિસ્ટમ દર્શાવે છે.
પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવેલા સંગઠિત પ્રયાસો બદલ બરડા અભયારણ્ય આજે 17 એશિયાઈ સિંહો અને 25 દીપડાઓનું ઘર બની ચૂક્યું છે. 2023ની વન્યજીવ ગણતરીએ આ વાતની પુષ્ટિ આપી છે. અહીં ઘાસના મેદાનોનું પુનઃસ્થાપન, સિંહોના ખોરાક માટે શિકાર જીવોની સંખ્યા વધારવા, તેમજ ટેકનોલોજી આધારિત ટ્રેકિંગ જેવી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે.
ઇકો-ટુરિઝમને મળ્યો નવો વેગ
બરડા જંગલ સફારી હવે પ્રવાસીઓ માટે પણ ખાસ આકર્ષણ બની છે. દર વર્ષે 16 ઓક્ટોબરથી 15 જૂન સુધી આયોજિત થતી સફારી માટે, જીપ્સી, ગાઇડ અને પરમિટ સહિત રૂ. 2200 નો ખર્ચ થાય છે. સફારી ઉપરાંત અહીં કિલેશ્વર મહાદેવ મંદિર પણ છે, જે ધાર્મિક પર્યટનને પણ પ્રોત્સાહન આપે છે.
મોડેલ તરીકે બરડા – સમુદાયની સહભાગી સાથે સંરક્ષણ
અભયારણ્યના સંચાલનમાં સ્થાનિક સમુદાય, ખાસ કરીને માલધારી પશુપાલકો, સહભાગી બન્યા છે. આ સહયોગી માળખું બરડા અભયારણ્યના સફળ સંચાલન પાછળનું મોટું કારણ છે. ગુજરાત સરકારે સમુદાય સાથે મળીને સુઘડ નીતિ અપનાવી છે જે ટકાઉ વિકાસનું ઉદાહરણ છે.
ગુજરાતમાં સિંહોની સંખ્યા વધતી જાય છે
2025ની ગણતરી અનુસાર, રાજ્યમાં હવે 891 એશિયાઈ સિંહો છે — જેમાંથી 50% કરતાં વધુ ગીરની બહાર છે. પ્રોજેક્ટ લાયન અને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA) જેવી પહેલો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતને ગ્લોબલ વન્યજીવન સંરક્ષણમાં મોખરે લાવે છે.
બરડા અભયારણ્ય એ ભારતીય વન્યજીવન સંરક્ષણનો વિશ્વસ્તરીય મોડેલ બની રહ્યું છે – જ્યાં “વિકાસ પણ, વારસો પણ” માત્ર સૂત્ર નહીં, પરંતુ ભવિષ્યનું દિશાનિર્દેશ બની ગયું છે.