કાબુલઃ અફઘાનિસ્તાન ફરી એકવાર વિનાશના પંથ પર છે કારણ કે રાજધાની કાબુલ હવે સંપૂર્ણપણે તાલિબાનીઓનો કબજામાં આવી ગયુ છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી અન્ય દેશમાં ભાગી ગયા છે. આ કટોકટી ભરી પરિસ્થિતિમાં ઉઝબેકિસ્તાનની અંદર અફઘાન સૈન્યનું વિમાન ક્રેશ થયું હોવાના ચિંતાજનક સમાચાર આવ્યા છે. આ બાબતની જાણકારી મધ્ય એશિયાઈ દેશના રક્ષા મંત્રાલયે આપી છે.
ઉઝબેકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા બોખ્રોમ ઝુલ્ફિકારોવે સોમવારે આ સમાચારની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું કે સૈન્ય વિમાને ગેરકાયદેસર રીતે ઉઝબેકિસ્તાનની સરહદ ગેરકાયદેસર રીતે પાર કરી હતી. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. માધ્યોમના અહેવાલો અનુસાર આ ઘટના રવિવારે દક્ષિણ પ્રાંતના સુરખોંદારિયોમાં બની હતી. જેની સરહદ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે.
તજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન, આ ત્રણેય જૂના સોવિયેત રાષ્ટ્ર છે, જેમની સરહદ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. રવિવારે ઉઝ્બેકિસ્તાને કહ્યુ કે, 84 અફઘાન સૈનિકોની ધરપકડ કરવામા આવી છે. આ લોકો સરહદ પાર કરીને તેમના દેશમાં દાખલ થયા હતા. ઉઝબેકિસ્તાને એવુ પણ કહ્યુ કે, આ સૈનિકોની વાપસીને લઇને હાલ વાતચિત ચાલી રહી છે. ઉઝ્બેકિસ્તાનએ સરહદે બંદોબસ્ત વધારી દીધો છે.