કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ એક વ્યક્તિને જેની સૌથી વધારે ચર્ચા થઇ રહીછે, તે છે મુલ્લા અબ્દુલ ગની બરાદર. બરાદર હાલ દોહા સ્થિત તાલિબાનના રાજકીય ઓફિસનો પ્રમુખ છે. એવુ કહેવાય છે કે બરાદર જ અફઘાનિસ્તાનનો નવા રાષ્ટ્રપતિ બની શકે છે.
તાલિબાનના સહ-સંસ્થાપક અને મુલ્લા ઉમરના સૌથી વિશ્વાસપાત્ર કમાન્ડોમાંથી એક મુલ્લા અબ્દુલ ગની બરાબરની 2010માં પાકિસ્તાનના કરાચીમાં ઘરપકડ કરવામાં આવી હતી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અને તાલિબાન સાથેની ડીલ થયા બાદ પાકિસ્તાને તેને 2018માં મુક્ત કર્યો હતો.
ત્રણ વર્ષ પહેલા જ જેલમાંથી છુટ્યા બાદ તાલિબાની નેતા અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી ચાલી રહેલા યુદ્ધના નિર્વિવાદ વિજેતા બનીને ઉભરી આવ્યો છે. બરાદરનું કદ તાલિબાનના પ્રમુખ હૈબતુલ્લાહ અખુંદજાદા પછીનું છે. તેમ છતાં તેને તાલિબાનનો હીરો માનવામાં આવે છે, તો બીજી બાજુ અખુંદજાદા હજી પણ પડદા પાછળ રહીને જ પોતાનું આતંકી સંગઠન ચલાવી રહ્યો છે. એવુ કહેવાય છે કે, બરાદર રવિવારે સાંજે કતારની રાજધાની દોહાથી કાબુલ માટે નીકળી ચૂક્યો છે.
ધી ગાર્જિયન મીડિયાએ રવિવારે જણાવ્યુ કે, કાબુલનાં પતન બાદ બરાદરે એક ટીવી સંદેશમાં કહ્યુ કે, એક સપ્તાહની અંદર દેશના તમામ મોટા શહેરો પર કબજો કરી લીધો છે. તે બહુ જ ઝડપી અને અદભૂત હતુ. બરાદરે સ્વીકાર્યુ કે, અમને આ રીતે સફળ થવાની અપેક્ષા ન હતી. ખરી પરીક્ષા હવે શરૂ થશે કારણ કે તાલિબાન લોકોની અપેક્ષાઓને પુરી કરવા અને તેમની સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરશે.
અબ્દુલ ગની બરાદરનો જન્મ 1968માં ઉરુજગાન પ્રાંતમાં થયો હતો અને નાનપણથી જ ધાર્મિક કટ્ટરતા હતી. બરાદરે 1980ના દાયકામાં સોવિયત સંઘની વિરુદ્ધ અફઘાન મુઝાહિદ્દીનમાં લડાઇ લડી હતી.