અમેરિકા માં આજે પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન છે ,જેથી માહોલ ભારે ઉત્સુકતા સભર બન્યો છે. અમેરિકાના દરેક રાજ્યમાં મતદાનનો સમય જુદો જુદો હશે. ભારતીય સમય મુજબ બુધવાર સવાર સુધી મતદાન કરી શકાશે. આ ચૂંટણી પહેલાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેને તાજા પ્રી-પોલમાં ટ્રમ્પ પર 10 અંકની સરસાઈ મેળવી લીધી છે. એનબીસી અને વૉલસ્ટ્રીટ જર્નલના પોલ પ્રમાણે બાઈડેનને 52% અને ટ્રમ્પને 42% સપોર્ટ છે. આ ફાઈનલ પ્રી-પોલમાં 12 સંયુક્ત બેટલ ગ્રાઉન્ડમાં બાઈડેન ટ્રમ્પથી 6% આગળ છે, જેમાં એરિઝોના, ફ્લોરિડા, જ્યોર્જિયા, લોવા, મેન, મિશિગન, મિનેસોટા, નોર્થ કેરોલિના, ન્યુ હેમ્પશાયર, નેવાડા, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન સામેલ છે.
અમેરિકાના અનેક રાજ્યોમાં ચૂંટણી દરમિયાન હિંસક દેખાવોની આશંકાને પગલે વૉશિંગ્ટન ડીસી સહિતનાં રાજ્યોમાં પોલીસ વિભાગની રજાઓ રદ કરી દેવાઈ છે. વ્હાઈટ હાઉસની સુરક્ષા પણ વધારાઈ છે. લોકોએ હિંસક અને ઉગ્ર દેખાવોની આશંકાને પગલે પોતાનાં ઘર, શૉપ અને સ્ટોર બહાર પ્લાયવૂડ ફિટ કરીને સુરક્ષા વધારી દીધી છે. શિકાગો અને ન્યૂયોર્કમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમેરિકામાં પ્રમુખપદ ની ચૂંટણી ને લઈ રાજકીય માહોલ ગરમાયો છે.
ચૂંટણી અગાઉ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ બાઇડન લેટેસ્ટ પૉલમાં રાષ્ટ્રીયસ્તરે લીડ ધરાવતા હતા.
પરંતુ મહત્ત્વનાં રાજ્યોમાં તેઓ ટ્રમ્પ સામે સાંકડી લીડ ધરાવે છે જે પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
9 કરોડ કરતાં વધુ લોકોએ પ્રારંભિક વોટિંગમાં પહેલેથી જ તેમના મત આપી દીધા છે. તેથી અમેરિકામાં એક સદીમાં સૌથી વધારે મતદાન થવાની શક્યતા છે.
