લંડનઃ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોન વાયરસ સાથે આપણં જીવતા શિખવુ પડશે, કારણ કે આ જીવલેણ વાયરસ ક્યારેય ખત્મ થવાનો નથી એવો દાવો બ્રિટનના વૈજ્ઞાનિકોએ કર્યો છે. આ દાવા બાદ તમામ લોકોની ચિંતા વધી ગઇ છે. કોરોના વાયરસની મહામારીને લઇને રચાયેલ બ્રિટિશ સરકારના સાયન્ફિટિક એડવાઇઝરી ગ્રૂપ ઓફ ઇમર્જન્સી (SAGE)ના એક સિનિયર વૈજ્ઞાનિકો કહ્યુ કે, કોરોના વાયરસને ક્યારેય પણ ખત્મ કરી શકાશે નહીં. તે માનવજાત વચ્ચે હંમેશા રહેશે. તેમણે કહ્યુ કે, અલબત્ત એક વેક્સીન પ્રવર્તમાન સ્થિતિને થોડીક સારી બનાવવામાં મદદ જરૂર કરશે.
યુરોપના અન્ય દેશોની જેમ હવે બ્રિટન પણ કોરોના વાયરસની બીજી લહેરના ઝપેટમાં આવી ગયો છે. દેશમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હોવા છતાં મંગળવારે બ્રિટનમાં કોરોના વાયરસના 21 હજારથી વધારે નવા કેસો સામે આવ્યા છે. બ્રિટનમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિતો લોકોની સંખ્યા લોકડાઉન વચ્ચે પણ ઝડપથી વધી રહી છે.
SAGEના સભ્ય જોન એડમંડ્સે સાંસદોને જણાવ્યુ કે, આપણે હવે હંમેશા વાયરસની સાથે રહીશું. એ વાતની સંભાવના અત્યંત ઓછી છે કે, તે દુનિયામાંથી સંપૂર્ણપણે ખત્મ થઇ જશે. તેમણે કહ્યુ કે, અમે આ શિયાળાના અંત સુધીમાં કોરોના વાયરસની કોઇને કોઇ રસી જરૂર બનાવી લઇશુ, જેનાથી આપણને મદદ મળશે.
બ્રિટનના વૈજ્ઞાનિકોએ એવુ પણ કહ્યુ કે, આપણને વેક્સીનથી થોડીક મદદ મળી શકતી હોય તો તેનો ઉપયોગ જરૂર કરવો જોઇએ. આપણે દરેક સ્થિતિમાં કોરોનાના સંક્રમણના કેસો જેટલા ઓછા આવે તેવો પ્રયાસ કરવો જોઇએ. એ દિવસો દૂર નથી જ્યારે આપણે અસરકારક એક વેક્સીનનો ઉપયોગ કરી શકીશું તેમણે કહ્યુ કે, બ્રિટનને વિવિધ કોરોના વેક્સીનમાં રોકાણ કર્યુ છે.