પાકિસ્તાનમાં બળાત્કાર ના દોષિતોને નપુંસક બનાવવાની સજા કરવાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે અને કેસો ની તપાસ માત્ર ચાર જ માસ માં પુરી કરવા સહિત બળાત્કાર ના કેસ ની તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસ અને સરકારી અધિકારીઓને પણ ત્રણ વર્ષની કેદની સજા ની જોગવાઈ કરવામાં આવી છે અને આ નવા કાયદા ઉપર મહોર મારી દીધી છે.
જેનો હેતુ કેસની વહેલી સુનાવણી અને કડક સજા આપવાનો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વટહુકમ હેઠળ જાતીય અપરાધના કેસોમાં ઝડપી કાર્યવાહી માટે દેશભરમાં વિશેષ અદાલતો બનાવવામાં આવશે. કોર્ટે ચાર મહિનામાં કેસનો નિકાલ કરવો પડશે.
પીડિતોની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં અને જાહેર કરવામાં આવવું એ શિક્ષાપાત્ર ગુનો હશે. કેસોની તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસ અને સરકારી અધિકારીઓને ત્રણ વર્ષની કેદની સજા કરવામાં આવશે. આ સિવાય ખોટી માહિતી આપવામાં સામેલ અધિકારીઓને પણ શિક્ષા કરવામાં આવશે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વી એ બળાત્કાર વિરોધી કાયદા – બળાત્કાર વિરોધી અધ્યાદેશ 2020 પર હસ્તાક્ષર કર્યા. ગયા મહિને વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના મંત્રીમંડળ દ્વારા વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી.
