ન્યુયોર્કઃ કોરોના વાયરસની મહામારીથી સમગ્ર વિશ્વનું અર્થતંત્ર પડી ભાંગવાની કગાર છે અને તેની અસરોથી કોઇ પણ દેશનું અર્થતંત્ર બચી ચુક્યુ નથી. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાએ વિતેલા નાણાકીય વર્ષમાં રેકોર્ડ બજેટ ખાધ નોંધાવી છે. તાજેતરમં જાહેર થયેલા આંકડા મુજબ અમેરિકાની બજેટ ખાધ 3.1 લાખ કરોડ ડોલરે પહોંચી ગઇ છે જે બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી બજેટ ખાધ છે. કોરોના વાયરસથી પીડિત લોકોને રાહત આપવા માટે કરાયેલા જંગી ખર્ચના કારણે અમેરિકાની બજેટ ખાધ પાછલા વર્ષની તુલનાએ 3 ગણી વધી ગઇ છે.
અમેરિકાની બજેટ ઓફિસે ગુરુવારે અનઓફિશિયલ આંકડાઓ જારી કર્યા હતા. તે મુજબ અમેરિકાની બજેટ ખાધ તેના અર્થતંત્રના લગભગ 15 ટકા જેટલી થઇ ગઇ છે. જે બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી બજેટ ખાધ છે. અમેરિકન સરકારે બીજા વિશ્વ યુદ્ધના ખર્ચ માટે તે વર્ષે જંગી ઋણ લીધું હતુ.
કેટલો ખર્ચ વધ્યો
પાછલા વર્ષે અમેરિકન સરકારે 6.6 લાખ કરોડ ડોલર ખર્ચ કર્યા અને ખર્ચ કરાયેલા દરેક ડોલર પર 48 સેન્ટ દેવુ લીધુ છે. સરકારના ખર્ચમાં 47 ટકાનો વધારો થયો છે. તેમાંથી 578 અબજ ડોલર નાના વેપારીઓને રાહત આપવા માટે ખર્ચ કરાયા જયારે બેરોજગારોને વળતર આપવા માટે છેલ્લા છ મહિનામાં ખર્ચ 443 અબજ ડોલર વધી ગયુ છે.
જો કે કોરોના મહામારીના કારણે આ દરમિયાન સરકારની આવક 44 અબજ ડોલર ઘટીને 3.4 લાખ કરોડ ડોલર થઇ ગઇ છે. બેરોજગારી વધવાથી આવકવેરાની કમાણી 16 ટકાનો ઘટાડો આવ્યો છે. કોર્પોરેટ કેસ્ 21 ટકા ઘટી ગયુ છે જ્યારે સામાજિક સુરક્ષા અને મેડિકલ પે-રોલ ટેક્સમાં 5 ટકાનો વધારો થયો છે.