વિશ્વ આરોગ્ય સંસ્થાના સાપ્તાહિક અહેવાલ અનુસાર ભારતમાં પ્રથમ ઓળખાયેલો બી.1.617 કોરોના વેરીઅન્ટ હવે 53 દેશોમાં મળી આવ્યો છે. બી.1.617ને ત્રણ પેટા લાઇનેજ પણ છે. બી.1.617.1 કોરોના વેરીઅન્ટ 41 દેશોમાં,બી.1.617.2 વેરીઅન્ટ 54 દેશોમાં અને બી.1.617.3 વેરીઅન્ટ છ દેશોમાં મળી આવ્યો હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વેરીઅન્ટ વધારે ચેપી જણાયો હોવાથી તેને વેરીઅન્ટ ઓફ કન્સર્ન જાહેર કરેલો છે. હાલ આ વેરીઅન્ટની પ્રસરણ ક્ષમતા અને તેને કારણે થતાં રોગની વિષમતા વિશે તપાસ કરવામાં આવી રહી છે. ભારતમાં ગયા સપ્તાહમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં 23 ઘટાડો થયો હતો પણ આ નવા કેસોની સંખ્યા હાલ દુનિયામાં સૌથી વધારે છે. નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે પણ મરણાંકમાં સતત દસમા સપ્તાહે વધારો નોંધાયો છે.
દરમ્યાન તાઇવાનની નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલે કોરોના મહામારી સામે લડવા માટે રાહત ભંડોળરૂપે 7.55 બિલિયન ડોલર વાપરવાનું નક્કી કર્યું છે. આ ભંડોળ દ્વારા ટેક્સી ડ્રાઇવરો અને ટુર ગાઇડોને સબસીડી આપવામાં આવશે. રાહત ભંડોળની આ દરખાસ્ત વિશે આ મહિનાના અંતમાં ધારાસભામાં ચર્ચા થશે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં તાઇવાને આ ચોથુ રાહત ભંડોળ જાહેર કર્યંુ છે.
પ્રથમ ત્રણ રાહત ભંડોળમાં કુલ 15 બિલિયન ડોલરની જોગવાઇ કરવામાં આવી હતી. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ જણાયેલાં 300 લોકોનો અતોપતો નથી તેમણે આ લોકો ચેપ પ્રસરાવવાનું જોખમ વધારી રહ્યા છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. તાઇવાનમાં કોરોનાના નવા 405 કેસો નોંધાયા છે અને તેર જણાના મોત થયા છે.