કોરોના સંકટકાળમાં વેપાર-ધંધા બંધ થતા મોટી સંખ્યામાં જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વિતેલ એક વર્ષ દરમિયાન 16 લાખથી વધારે જીએસટી રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યા છે. જેમાંથી 50 ટકાથી વધારે નો ફાઇલર્સ હતા. કોરોના સંકટના વેપાર- ધંધા બંધ થવાથી ઘણા વેપારીઓએ જીએસટી રિટર્ન પણફાઇલ કર્યુ નથી. આથી કેટલાંક વેપારીઓએ સામે ચાલીને તેમનું જીએસટી રજિસ્ટ્રેશન રદ કર્યુ છે.
વિતેલા એક વર્ષ દરમિયાન દેશભરમાં લગભગ 16 લાખ જીએસટી રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યા છે. જેમાં કોરોનાના કહેરને પરિણામે ધંધા તૂટી પડતા ગુજરાતમાં 2020-21ના નાણાંકીય વર્ષમાં 61064 અને 2021ના એપ્રિલથી 15મી જુલાઈ 2021 સુધીમાં 26671 વેપારીઓએ તેમના રજિસ્ટ્રેશન રદ કરાવી દીધા છે. બીજી તરફ સમગ્ર દેશમાં કોરોનાની અસર હેઠળ 16,16,628 વેપારીઓએ તેમના જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવ્યા છે.
ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીઓની સંખ્યા 15મી જુલાઈ 2021ના દિન સુધીમાં 10.73 લાખ પર આવી ગઈ છે. તેમાં 1.55 લાખ જેટલા નવા રજિસ્ટ્રેશનનો પણ સમાવેશ થાય છે.
રાઈટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ આપવામાં આવેલી માહિતી મુજબ કોરોનાના કાળમાં વેપાર ન ચાલતા હોવાથી તેમના રિટર્ન ફાઈલ ન કરી શકેલા 8,20, 481 વેપારીઓના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નંબર કેન્સલ કરી દેવામાં આવ્યા છે. તેની સામે 7,34,405 વેપારીઓએ તેમના જીએસટી નંબર સરેન્ડર કરાવી દીધા છે.
જો કે જીએસટીના રિટર્ન વિલંબથી ભરવા બદલ લોકો પાસે કેટલી પેનલ્ટી વસૂલ કરવામાં આવી તે અંગે કોઈ જ માહિતી આપવામાં આવી ન હોતી. આ માહિતી સીબીઆઈસી તરફથી આપવામાં આવશે તેમ જણાવીને માહિતી આપવાની જવાબદારી સીબીઆઈસીને માથે નાખી દેવામાં આવી હતી.
આ નંબર કેન્સલ કરાવનારા વેપારીઓને ટર્નઓવર બેએક વર્ષમાં ફરીથી વધવા લાગતા તેમણે નવા રજિસ્ટ્રેશન નંબર માટે અરજી કરી છે. આ અરજી કરી ત્યારે જીએસટી કચેરી તેમની પાસેથી જૂના નંબરને જ રિવાઈવ કરવાનો આગ્રહ રાખી રહી છે.