નવી દિલ્હીઃ કોરોના મહામારી અને લોકડાઉનથી મધ્યમ અને ગરીબ વર્ગને સૌથી વધારે મુશ્કેલીઓ સહન કરવી પડી છે. નોકરી-રોજગારી બંધ થઇ જતા ગરીબ લોકો વધારે ગરીબ બન્યા છે જ્યારે મધ્યમ વર્ગના લોકો પણ ગરીબીમાં ધકેલાઇ ગયા છે એવો ઘટસ્ફોટ એક અભ્યામાં થયો છે.
કોરોના મહામારી અને લોકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. કોરોના સંકટકાળ દરમિયાન ભારતના 7.5 કરોડ લોકો ગરીબીમાં સપડાયા છે જે બહુ ચિંતાજનક બાબત છે. રિસર્ચ ગ્રૂપ Pew Research Centerના મુજબ વર્ષ 2020માં ગરીબ લોકોની સંખ્યામાં વૈશ્વિક સ્તરે થયેલા વધારામાં ભારતની આ સંખ્યા લગભગ 60% છે. એવા લોકોને ગરીબ તરીકે વ્યાખ્યાયિત કરે છે કે જેઓ દરરોજ 2 ડોલર કે તેનાથી ઓછું કમાય છે. દક્ષિણ એશિયામાં ખાસ કરીને ભારતની જનસંખ્યામાં ગરીબ વસ્તીની સંખ્યામાં સૌથી વધારે વૃદ્ધિ થઇ છે જેના કારણે ઘણા વર્ષોની પ્રગતિ પર પાણી ફરી વળ્યુ છે. ભારતમાં 3.2 કરોડ લોકો મધ્યમ વર્ગમાંથી બહાર જતા રહ્યા છે. 1990ના દાયકા બાદ આ પહેલી ઘટના છે જ્યારે દુનિયામાં મધ્યમ વર્ગની જનસંખ્યા ઘટી છે. આંકડાઓ મુજબ વર્ષ 2011મં દુનિયામાં મધ્યમ વર્ગની વસ્તીની સંખ્યા 13 ટકા હતી જે વર્ષ 2019માં વધીને 19 ટકા થઇ ગઇ હતી.
રિસર્ચ ગ્રૂપ Pew Research Centerના અભ્યાસ મુજબ વર્ષ 2020માં સમગ્ર દુનિયામાં મધ્યમ વર્ગની વસ્તી 9 કરોડ ઘટીને લગભગ અઢી અબજ રહી ગઇ છે. દૈનિક 10થી 20 ડોલર સુધીની કમાણી કરનાર લોકોની મધ્યમ વર્ગમાં ગણતરીમાં થાય છે. કોરોના કાળમાં એક બાજુ મધ્યમ વર્ગની વસ્તી ઘટી છે જો કે બીજી બાજુ દુનિયામાં ગરીબોની સંખ્યામાં 13.1 કરોડનો વધારો થયો છે. એટલે કે આવા લોકોને દૈનિક આવક બે ડોલરથી પણ ઓછી છે અને તેમની સંખ્યા વધી છે. મધ્યમ વર્ગની વસ્તી ઘટવાથી સ્પષ્ટ સંકત મળે છે કે વૈશ્વિક અર્થતંત્રમાં સંકોચન આવ્યો છે.
જાન્યુઆરી 2020માં કોરોના વાયરસની મહામારીના અહેવાલો આવવાની શરૂઆત થઇ ગઇ હતી અને ત્યારે વર્લ્ડ બેન્કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 2.5 ટકાની વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. પરંતુ હવે તેનું માનવુ છે કે વૃદ્ધિદરમાં 4.3 ટકાનુ સંકોચન આવ્યુ છે. અહેવાલ મુજબ અર્થંતંત્રમાં ઘટાડાથી સમગ્ર દુનિયામાં લોકોના જીવનધોરણનું સ્તર ઘટ્યુ છે જેનાથી કરોડો લોકો મધ્યમ વર્ગમાંથી બહાર ફેંકાઇ ગરીબમાં ધકેલાઇ ગયા છે તેના પગલે ગરીબ લોકોની સંખ્યા ચિંતાજનક વધી છે. તેની સાથે અનિશ્ચિતતાઓને પગલે અર્થતંત્રની ગાડી ફરી પાટે ચઢવાની સંભાવનાઓને મોટો ફટકો લાગ્યો છે.