એશિયાના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક ગૌતમ અદાણી માટે સૌથી મોંઘી વસ્તુ ખરીદવી એ મિનિટોની વાત છે. તેઓએ આ વાત ફરી એકવાર સાબિત કરી છે. અદાણી ગ્રુપે ઈઝરાયેલનું બીજું સૌથી મોટું બંદર હાઈફા પોર્ટ હસ્તગત કર્યું છે. આ વાત હવે ઈઝરાયેલથી લઈને ભારત સુધી ચર્ચાઈ રહી છે.
વાસ્તવમાં, અદાણી ગ્રુપે આ પોર્ટ પર એક્વિઝિશન માટે એટલી મોટી બિડ કરી કે અન્ય કંપનીઓએ કિંમત સાંભળ્યા પછી પીછેહઠ કરી લીધી હતી.
આ બંદરને અદાણી ગ્રુપ દ્વારા 3.1 બિલિયન શેકેલ ($1.18 બિલિયન)માં ખરીદી લીધું છે.
ઈઝરાયેલનું મીડિયા હવે આ ડીલને વ્યૂહાત્મક ચાલ ગણાવી રહ્યું છે
ઈઝરાયેલના એક અખબારે આ ડીલ પર પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. હરાજીમાં ભારતીય કંપની અને તેના નજીકના હરીફ વચ્ચેના બિડના ભાવમાં તફાવત દર્શાવે છે કે આ સોદા માટે અદાણી જૂથ માટે નાણાંનો મુદ્દો નથી, એમ તેણે લખ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક વ્યૂહાત્મક સોદો છે, તેથી અદાણી કહે છે તેમ, દરેકે પીછેહઠ કરવી જોઈએ.
કંપનીમાં અદાણીનો 70 ટકા હિસ્સો છે
અદાણી પોર્ટ્સે આ પોર્ટ માટે ઈઝરાયેલની કંપની ગેડોટ ગ્રુપ સાથે ભાગીદારી કરી છે. આમાં અદાણી પોર્ટ્સ 70 ટકા અને ગેડોટ 30 ટકા હિસ્સો ધરાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોર્ટ ઓક્શનમાં ઘણી કંપનીઓ આવી હતી, પરંતુ જ્યારે તેમણે અદાણી ગ્રુપની બિડ વિશે સાંભળ્યું તો તે તમામ કંપનીઓએ પીછેહઠ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલ સરકારને પણ અંદાજ ન હતો કે તેની બોલી આટલી વધી શકે છે.
આ બિડ એવા સમયે કરવામાં આવી છે જ્યારે I2U2 સભ્ય દેશોની વર્ચ્યુઅલ કોન્ફરન્સ થઈ છે. આ સંગઠન ભારત, ઈઝરાયેલ, યુએસએ અને યુએઈ દ્વારા બનાવવામાં આવ્યું છે. સંગઠનનો હેતુ પરસ્પર ભાગીદારી અને વેપાર સાથે ચીનના વધતા પ્રભાવને ઘટાડવાનો છે.