બેઇજિંગ – ચીનમાં સૌથી વધારે વસ્તી ધરાવતાં પ્રાંત ગુઆંગડોંગના શહેરોમાં કોરોનાના કેસો વધવાને કારણે ચીને આ પ્રાંતના શહેરોમાં કડક લોકડાઉન લાદી દીધું છે. હોંગકોંગને અડીને આવેલા ગુઆંગડોંગ પ્રાંતમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૧ કેસો નોંધાયા છે. પ્રાંતીય પાટનગર ગ્વાંગઝુમાં સાત અને તેનીપાસે આવેલા ફોસાન શહેરમાં કોરોનાના ત્રણ કેસો નોંધાયા છે. ગુઆંગડોંગમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
પ્રાંતની બહાર જનારા માટે કોરોનાનો ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.ગુઆંગડોંગના શહેરોમાં લોકોએ તેમના કમ્પાઉન્ડ બંધ કરી દીધા છે અને સડકો નિર્જન બની ગઇ છે.ચીનની સરકારે ફોસાન શહેરમાં વધી રહેલાં ચેપના દરને પગલે શહેરમાંથી આવતી-જતી ૫૧૯ ફલાઇટસને રદ કરી નાંખી છે. શહેરના પાંચ વિસ્તારોમાં લોકોને તેમના ઘરોમાં જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
તમામ બજારો અને જાહેર સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. દોઢ કરોડની વસ્તી ધરાવતાં ફોસાન શહેરમાં એક મોટા વિસ્તારમાં તો શનિવારથી જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું.