ન્યુયોર્કઃ અમેરિકન સરકારે તાઇવાન આર્મ્સ ડીલને મંજૂરી આપી છે. લગભગ 513 અબજ રૂપિયાની આ ડિફેન્સ ડીલને યુએસ કોંગ્રેસની પણ લીલી ઝંડી મળી ગઇ છે. જે મારફતે અમેરિકા ઘણા પ્રકારની એડવાન્સ મિસાઇલો અને સેન્સર્સ તાઇવાનને આપશે. એવું કહેવાય છે કે, આ અમેરિકા અને તાઇવાન વચ્ચે થયેલી બીજી સૌથી મોટી ડિલ છે. તેની પહેલા ચીન તરફથી વધી રહેલા જોખમને જોતા 2019માં તાઇવાને અમેરિકા સાથે 587 અબજ રૂપિયાની ડિલ કરી હતી.
આ ડીલને લઇને અમેરિકન વિદેશ વિભાગે એક પરિપત્ર જારી કર્યુ છે. જેમાં તાઇવાનને એફ-16 ફાઇટર જેટની માટે એડવાન્સ સેન્સર, સમુદ્રમાં દુશ્મનના યુદ્ધજહાજોને બરબાદ કરવા માટે સુપરસોનિક લો એલ્ટિટ્યૂડ મિસાઇલ અને હેમર્સ રોકેટ આપશે. પાછલા વર્ષે અમેરિકાએ તાઇવાનને 66 એફ-16 ફાઇટર વિમાન આપવાની ડિલ કરી હતી.
વર્ષ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે તાઇવાનને લઇને અત્યંત આક્રમક વલણ અપનાવ્યુ છે અને આ હથિયારોના વેચાણથી ચીનની સાથે તેના સંબંધ અત્યંત નીચલા સ્તરે ઉતરી જશે. એ પણ એવા સમયે જ્યારે બંને દેશો એક-બીજા પર જાસુસી કરવી, ટ્રેડ વોર અને કોરોના વાયરસને લઇને ઘણા આરોપો કરવામાં આવ્યા છે. તાઇવાનમાં ચાલુ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગવેનના ફરીથી સત્તામાં આવ્યા બાદ તાઇપવાને હથિયારોની ખરીદી વધારી છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ તાઇવાનની પાસે એટલી વધારે મિસાઇલ છે જે ક્ષેત્રફળના હિસાબે દુનિયાભરમાં સૌથી વધુ છે. અલબત તાઇવાનના રક્ષા મંત્રાલયે આ મિસાઇલોની કુલ સંખ્યા આજદીન સુધી જાહેર કરી નથી. તાઇવાનના ચાઇના ટાઇમ્પ સમાચારપત્રના અહેવાલ મુજબ તાઇવાનની પાસે કૂલ 6000થી વધારે મિસાઇલો છે.