વોશિંગ્ટન. હાલ કોરોના એ ઉપાડો લીધો છે અને દુનિયાનું શિડયુલ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં યોજાનાર G-7 સમિટને મુલત્વી રાખવાની જાહેરાત કરી છે, તેઓએ કહ્યું પોતે આ સમિટને મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. મને નથી લાગતું કે G-7 વિશ્વની હાલની સ્થિતિનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરી શકશે.
ટ્રમ્પે એ પણ કહ્યું કે G-7ની જગ્યાએ મોટી સમિટ બોલાવવામાં આવશે. તેમાં ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પણ આમંત્રિત કરવાની ઈચ્છા છે. તે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પહેલા કે તેના પછી થાય તેવી શકયતા છે.
G-7માં અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન, જર્મની, જાપાન અને ઈટલી સામેલ છે. તમામ સભ્ય દેશો એક પછી એક વાર્ષિક બેઠકનું આયોજન કરે છે. આ વખતે અમેરિકાના કેમ્પ ડેવિડમાં G-7 સમિટ થવાની હતી. જોકે કોરોનાને કારણે સભ્ય દેશોના નેતાઓનું વ્યક્તિગત રીતે આવવું મુશ્કેલ હતું. તેના પગલે વીડિયો કોન્ફોરન્સિંગના માધ્યમથી જૂનમાં આ બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ હાલ કોરોના માં ઘેરાયેલા દેશો ખુબજ કફોડી સ્થિતિ નો સામનો કરી રહ્યા હોય હાલ આ સમીટ પાછી ઠેલાઈ છે અને બાદ માં નિર્ણય કરાશે.
