જોર્ડનના અકાબા બંદર પર એક ટેન્કરમાંથી ઝેરી ગેસ ગળતર થતા 12 લોકોનાં મોત થયા છે અને 251 લોકોને ઝેરી ગેસની અસર થતા તેઓની હાલત ગંભીર છે. સ્થાનિક મીડિયા અનુસાર, સોમવારે મોડી રાત્રે અકાબા પોર્ટ પર એક ટેન્કર ક્લોરિન ગેસ લઈ જઈ રહ્યું હતું. ક્રેનની નજીક પહોંચતા જ તેમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા. ઘટના બાદ લોકોમાં ભારે દોડધામ મચી હતી.
કર્મચારીઓની ભૂલને કારણે આ અકસ્માત થયો હોવાનું ખુલ્યુ છે. જ્યારે જહાજમાં સિલિન્ડર લોડ કરવામાં આવી રહ્યું હતું તે વખતે સિલિન્ડર જમીન પર પડતા તેમાં વિસ્ફોટ થયો હતો.
ઘટના સમયે આ બંદર પર લગભગ 25 ટન ક્લોરિન ગેસનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
અકાબાની વસ્તી લગભગ એક લાખ 88 હજાર છે. અહીંથી થોડે દૂર ઇઝરાયેલનું ઇલાત શહેર આવેલું છે. તેની વસ્તી 50 હજાર છે. બંને શહેરો રોડ માર્ગે પણ જોડાયેલા છે. સ્થિતિને નિયંત્રણ કરવા તંત્ર કામે લાગ્યું છે.