તાલિબાન આગામી ત્રણ મહિનામાં TikTok અને PUBG એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાનના નેતૃત્વ હેઠળના ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ જાહેરાત કરી છે.
અફઘાન ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, તાલિબાને સુરક્ષા ક્ષેત્રના પ્રતિનિધિઓ અને શરિયા કાયદા અમલીકરણ વહીવટીતંત્રના પ્રતિનિધિ સાથે બેઠક યોજી હતી અને પછી નેવું દિવસની અંદર TikTok અને PUBGના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટ અનુસાર, Tiktok એક મહિનાની અંદર અને PUBG ને નેવું દિવસમાં પ્રતિબંધિત કરી દેવામાં આવશે.
દેશના ટેલિકોમ અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓએ પણ પ્રતિબંધ સંબંધિત માહિતી શેર કરી છે અને તેમને નિર્ધારિત સમયગાળાની અંદર માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. અગાઉ સત્તામાં આવ્યા બાદ તાલિબાન પ્રશાસને ‘અનૈતિક સામગ્રી’ દર્શાવતી 23 મિલિયન વેબસાઈટને બ્લોક કરી દીધી હતી.
તાલિબાન પ્રશાસનના સંચાર મંત્રી નજીબુલ્લાહ હક્કાનીએ એક કાર્યક્રમમાં કહ્યું, “અમે 23.4 મિલિયન વેબસાઈટ બ્લોક કરી છે. તેઓ દર વખતે તેમના પૃષ્ઠો બદલતા હોય છે, કારણ કે જ્યારે તમે એક વેબસાઇટને અવરોધિત કરો છો, ત્યારે બીજી સક્રિય થઈ જાય છે.
વચગાળાની સરકારના નાયબ સંચાર મંત્રી અહેમદ મસૂદ લતીફે ફેસબુકની ટીકા કરી હતી અને તેના પર સામગ્રી મધ્યસ્થતા પર તાલિબાન અધિકારીઓને સહકાર ન આપવાનો આરોપ મૂક્યો હતો.