નવ દિલ્હીઃ દેશભરની 7000 કૃષિ મંડીઓ અને એપીએમસી તેમજ 12 હજાર દાળ મિલો આવતીકાલ 16 જુલાઇ, શુક્રવારના રોજ બંધ રહેશે. સરકાર દ્વારા કઠોળના સંગ્રહ ઉપર સ્ટોક મર્યાદા લાગુ કરવાના વિરોધમાં આ તાળાબંધી કરવામાં આવશે. બંધનું આ આહ્વાન ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ દ્વારા કરવામાં આવ્યુ છે. કૃષિ પેદાશોનું વેચાણ અને હરાજી ન થવાથી પ્રાથમિક અંદાજ મુજબ દૈનિક 600 કરોડ રૂપિયાનો વેપાર પ્રભાવિત થઇ શકે છે, 5 લાખથી વધારે શ્રમિકોની રોજગારીને પણ અસર થશે.
. કઠોળમાં સરકારે સ્ટોક લિમિટ લાગુ કરતાં ભાવમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતોએ કઠોળના ભાવ જોઈ ખરીફમાં વાવેતર કર્યું છે. રવી સિઝનનો પણ સ્ટોક પડ્યો છે ત્યારે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ભારે નુક્સાન થયું છે. જેના વિરોધમાં આવતીકાલે બંધનું એલાન અપાયું છે.
કેન્દ્ર સરકારે 2 જુલાઇના રોજ કઠોળ પર સ્ટોક લિમિટ લાદી હતી. જેમાં વેપારીઓ સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતા વધારે કઠોળ અથવા કઠોળનો સ્ટોક રાખી શકશે નહીં. છૂટક વેપારીઓ માટે સરકારે 5 ટનની સ્ટોક મર્યાદા નક્કી કરી છે, જ્યારે જથ્થાબંધ વેપારીઓ અને આયાતકારો માટે 200 ટનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં કોઈપણ એક જાતનો સ્ટોક 100 ટનથી વધી શકતો નથી. કઠોળ મિલો પણ તેમની કુલ વાર્ષિક ક્ષમતાના 25 ટકાથી વધુ જાળવી શકશે નહીં.