લંડનઃ દુનિયના ઘણા દેશોમાં હજી પણ કોરોનાનો કહેર યથાવત છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં 4 કરોડથી વધારે લોકો કોરોનાના ભરડામાં આવી ગયા છે અને 11 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે, પરંતુ આ દરમિયાન બ્રિટનની માટે એક રાહત જનક સમાચાર આવ્યા છે. હકિકતમાં ત્યાંની હોસ્પિટલોને કોરોના વાયરસની વેક્સીન મૂકવાની તૈયારી શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નવેમ્બરમાં લોકોને કોરોનાની રસ મૂકવાની યોજના બનાવવામાં આવી છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ એસ્ટ્રેઝેનેકાની સાથે મળીને આ વેક્સીન તૈયાર કરી છે. બ્રિટનના નેશનલ હેલ્થ સિસ્ટમ ક્રિસમસ સુધી દેશમાં પાંચ સ્થળોએ વેક્સીન મૂકવાની સુવિધા આપવા જઇ રહ્યુ છે. તેની માટે એનએચએસના હજારો કર્મચારીઓ આ સ્થળો પર તૈનાત કરવામાં આવશે. દરરોજ ઓછામાં ઓછા 10 હજાર લોકોને કોરોનાની રસી આપવાની યોજના છે.
બ્રિટિશ સમાચારના એક રિપોર્ટ મુજબ કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધારે પીડિત લોકોનું રસીકરણ કરવામાં આવશે. કોરોનાની રસી મૂકવા માટે લીડ્સ, હલ અને લંડનમાં સેન્ટર સ્થાપિત કરાશે. આ સેન્ટર પર નર્સ સહિત ઘણા હેલ્થવર્કર્સ તૈનાત કરાશે. તે ઉપરાંત મોબાઇલ યુનિટને પણ તૈયાર કરવામાં આવશે જે જરૂરિયાતમંદ લોકો અને કેર હોમ્સ સુધી જશે.
85 વર્ષના વૃદ્ધોને પ્રાથમિકતા
બ્રિટનની સરકારે વેક્સીનને મંજૂરી મળે તે પહેલા જ 10 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત સ્વાસ્થ્ય સેવા સાથ જોડાયેલા અન્ય ડોક્ટરોની પણ મદદ રસીકરણ માટે લેવામાં આવશે. કેર હોમમાં રહેતા લોકો બાદ 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અને એનએચએસ કર્મચારીઓને વેક્સીન મૂકવામાં આવશે. ત્યારબાદ 60 વર્ષના લોકો અને પછી યુવાન લોકોને કોરોના વેક્સીન મૂકવામાં આવશે.