ચીનના દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં ભૂખમરો, બેરોજગારી, વીજ સંકટ જેવી સમસ્યાઓ સર્જાતા ત્યાંના નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.
પાકિસ્તાન સરકારે વણસતી સ્થિતિને ધ્યાનમાં રાખી પાકિસ્તાનમાં વીજ સંકટ કાબુમાં લેવા હવેથી રાત્રે 8.30 વાગ્યા બાદ મૉલ, બજારો, રેસ્ટોરાં બંધ રાખવામાં આવશે.
રાત્રે 10 વાગ્યા બાદ મેરેજ હોલ પણ બંધ રાખવા નિર્ણય કર્યો છે.
પાકિસ્તાન સરકારના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી છે કે બજારો અને મૉલ રાત્રિના 8.30 વાગ્યા બાદ બંધ થઈ જશે.
દુનિયામાં હાલ 60થી 80 વોટના પંખાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનમાં 120થી 130 વોટના પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. એના કારણે વધુ વીજપુરવઠો વપરાય છે. આ સ્થિતિમાં સરકારે વધુ વોટવાળા પંખાના ઉત્પાદન પર જુલાઈ મહિનાથી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મોટા બલ્બનું ઉત્પાદન પણ બંધ કરાશે.
સ્ટ્રીટ લાઈટ્સ પણ બંધ કરવામાં આવશે અને કોનિકલ ગીઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે. વર્ષના અંત સુધીમાં આયાતી તેલનો ઉપયોગ ઘટાડવા માટે સરકાર ઈલેક્ટ્રિક મોટરસાઇકલ પર વધુ ભાર આપશે અને એનું ઉત્પાદન વધારશે.
રાંધણગેસનાં સિલિન્ડરોના સ્ટોકમાં ઘટાડો થતાં લોકો પ્લાસ્ટિકની નાની થેલીઓમાં ગેસ ભરીને રસોઈ બનાવવા મજબૂર બન્યા છે.