પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 21 વર્ષની અમેરિકન યુવતી પર બે ઈસમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાઅંગે પોલીસે માહિતી આપી હતી.
આ ઘટના 17 જુલાઈના રોજ ડીજી ખાન જિલ્લાના હિલ સ્ટેશન ‘ફોર્ટ મુનરો’ની એક હોટલમાં બની હતી. તે લાહોરથી લગભગ 500 કિમી દૂર છે. પીડિતા વ્લોગર/ટિકટોકર છે અને ફેસબુક પેજ ચલાવે છે.
પીડિતા તેના સોશિયલ મીડિયા મિત્રો મુઝમિલ સિપ્રા અને અજાન ખોસા સાથે વ્લોગ બનાવવા સ્થળની મુલાકાતે આવી હતી.
ડીજી ખાન જિલ્લાના ડેપ્યુટી કમિશનર અનવર બરાયારે જણાવ્યું હતું કે અમેરિકન યુવતી તેના સોશિયલ મીડિયા મિત્ર મુઝમલ સિપ્રાના આમંત્રણ પર કરાચીથી ફોર્ટ મુનરો આવી હતી અને રવિવારે પંજાબના રાજનપુર જિલ્લામાં તેના ઘરે પણ ગઈ હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન આવેલી યુવતી છેલ્લા સાત મહિનાથી દેશમાં રહેતી હતી.
નોંધાયેલ એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે પીડિતાએ રવિવારે ફોર્ટ મુનરોની મુલાકાત લીધી હતી અને મુઝમિલ અને તેના મિત્ર અજાન ખોસા સાથે એક વ્લોગ બનાવ્યો હતો. પીડિતાએ એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે “અમે ફોર્ટ મનરોની એક હોટલમાં રોકાયા હતા જ્યાં બંનેએ મારી સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો અને મને બ્લેકમેલ કરવા માટે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.”
બોર્ડર મિલિટરી પોલીસે મુઝમિલની ધરપકડ કરી લીધી છે અને પાકિસ્તાન પીનલ કોડની કલમ 376 અને 292B હેઠળ FIR નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસે યુવતીનો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો છે.